નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો ટૂંક સમયમાં જિયો ફોનની કિંમત વધારે એવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જિયો ફોનની કિંમતમાં રૂ. 300નો વધારો થાય એવી સંભાવના છે, જેના પછી જિયો ફોનની રિટેલ કિંમત રૂ. 999 થાય એવી શક્યતા છે. હાલ આ ફોનની કિંમત રૂ. 699 છે. કિંમત વધારા વિશે કંપની ટૂંક સમયમાં ઘોષણા કરે એવી શક્યતા છે. રિલાયન્સ જિયોએ પહેલો 4G ફીચર ફોન જિયો ફોન લોન્ચ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. જિયો ફોનને રૂ. 1500ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં દિવાળી ઓફર હેઠળ આ ફોન રૂ. 699માં વેચવામાં આવ્યા હતા.
જિયોએ આ ઓફરને લિમિટેડ ટાઇમ ઓફરની સાથે રજૂ કરી હતી. આ ઓફર હવે પૂરી થઈ રહી છે. જિયો ફોનની કિંમતમાં વધારાની સાથે રિલાયન્સ જિયોએ આ ફોનની સાથે રૂ. 125નું રિચાર્જ ફરજિયાત કર્યું હતું. હવે જ્યારે જિયો ફોનની કિંમત વધશે તો એની સાથે રૂ. 125વાળા રિચાર્જ પણ ફરજિયાત કરી દીધું છે. આવામાં ફોનની કિંમત રૂ. 1124 થઈ જશે.
જિયો ફોનમાં 2.4 ઇંચનો QWVGA ડિસ્પ્લે, 1.2 ગિગાહર્ટ્સનું સ્પ્રિડટ્રમ SPRD 9820A/8905 ડ્યુઅલ કોર પ્રોસેસર, ગ્રાફિક્સ માટે માલી-400 GPU, 512 એમબી રેમ, 4 GB સ્ટોરેજ, સિંગલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.