મુંબઈ – મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં રૂ. 9,459 કરોડનો રેકોર્ડ નફો નોંધાવ્યો હતો. કંપનીની કમાણી મુખ્યત્વે પેટ્રોકેમિકલ્સ બિઝનેસ પર આધારિત છે, જે લગભગ બમણી થઈ છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 2018-19ના નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં રૂ. 9,459 કરોડ (શેર દીઠ રૂ. 16)નો નેટ પ્રોફિટ ગયા વર્ષે આ જ સમયગાળાની સરખામણીમાં 18 ટકા વધારે છે. ગયા વર્ષે પહેલા ક્વાર્ટમાં કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 8,021 કરોડ (પ્રતિ શેર રૂ. 13.5) હતો.
કંપનીની આવક 56.5 ટકા વધીને રૂ. 141,699 કરોડ થઈ છે.
રિલાયન્સનું કહેવું છે કે પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી પ્રી-ટેક્સ પ્રોફિટ વધીને રૂ. 7,857 કરોડ થયો છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનું કહેવું છે કે સ્ટ્રોંગ વોલ્યૂમ્સને કારણે અમારો પેટ્રોકેમિકલ્સ બિઝનેસ વધ્યો છે. રીફાઈનિંગ બિઝનેસ પરફોર્મન્સ સ્થિર રહ્યું છે.
અંબાણીએ વધુમાં કહ્યું છે કે, રિલાયન્સ જિઓએ રેકોર્ડ સંખ્યામાં ધારકો મેળવ્યા છે. જિઓએ પહેલા ક્વાર્ટરમાં રૂ. 612 કરોડનો નફો મેળવ્યો છે જે વીતી ગયેલા ક્વાર્ટરની સરખામણીમાં 20 ટકા વધારે છે. ગઈ વેળાનો નફો રૂ. 510 કરોડ હતો.
પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જિઓના ગ્રાહકોએ વિક્રમસર્જક 642 કરોડ GB ડેટાનો ઉપયોગ કર્યો અને કુલ 44,871 કરોડ મિનિટ વાતચીત કરી.
રિલાયન્સ જિઓએ પહેલા ક્વાર્ટરમાં 2 કરોડ 87 લાખ ગ્રાહકોને સામેલ કર્યા. ગત્ ક્વાર્ટરમાં જિઓએ 2 કરોડ 65 લાખ ગ્રાહક સામેલ કર્યા હતા.
30 જૂન, 2018 સુધી રિલાયન્સ જિઓના ગ્રાહકોની સંખ્યા વધીને 21 કરોડ 53 લાખ થઈ. જિઓને છોડીને જનાર ગ્રાહકોની સંખ્યા 0.3 ટકા છે, જે ઈન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી છે.