વધુ કેટલીક વસ્તુઓ પર જીએસટી ઘટવાના જેટલીએ આપ્યા સંકેત

નવી દિલ્હીઃ ગત સપ્તાહે જીએસટી પરિષદે 85 ઉત્પાદનોનો ટેક્સ રેટ ઘટાડ્યો હતો. આ ઉત્પાદના ભાવમાં થયેલો ઘટાડો આજથી અમલી થઈ ગયો છે. પરંતુ જીએસટી પર હજી લોકોને વધારે ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આ મામલે ફેસબૂક પર માહિતી શેર કરી છે.

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ફેસબૂક પર એક બ્લોગ પોસ્ટ જીએસટીને લઈને લખી છે. જેટલીએ 28 ટકા સ્લેબમાં સમાવિષ્ટ અન્ય કેટલાક ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટાડવાના સંકેત આપ્યા છે. જેટલીએ જણાવ્યું કે સમય સાથે જેમ-જેમ જીએસટી રેવન્યૂ વધશે તેમ-તેમ ઘણા ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે 28 ટકા ટેક્સ સ્લેબમાં માત્ર લક્ઝરી આઈટમ્સને રાખવાની યોજના છે.

જીએસટી કાઉન્સિલની ગત બેઠકમાં 28 થી 18 ટકાના ટેક્સ સ્લેબમાં જે 15 વસ્તુઓને લાવવામાં આવી છે તેમાં ફ્રીજ, વોશિંગ મશીન, જ્યૂસર મિક્સર, ગ્રાઇન્ડર, વેક્યૂમ ક્લીનર, શેવર-ટ્રીમર, વોટર હીટર, ઇસ્ત્રી, વોટર કૂલર, હીટર, આઈસક્રીમ ફ્રીજર, હેન્ડ ડ્રાયર, કોસ્મેટિક્સ, પરફ્યૂમ, સેન્ટ, વિડીયોગેમ્સ, લેધર આઈટમ્સ, પેઇન્ટ, વોર્નિશ, લિથિયમ આયર્ન બેટરી વગેરોનો સમાવેશ થાય છે.

જે વસ્તુઓ પર ટેક્સ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે તેમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડબેગ, વાંસનું ફ્લોરિંગ, જ્વેલરી બોક્સ, કાચની કલાકૃતિઓ, હેન્ડમેડ લેમ્પ, સજાવટી ફ્રેમના અરીસા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]