નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ લેવડદેવડ સતત ઝડપથી વધી રહી છે અને નવો રેકોર્ડ બની રહ્યો છે. વિશ્વમાં UPIથી સૌથી વધુ પેમેન્ટ ભારતમાં જ થઈ રહ્યું છે. ભારતે હવે નવો રેકોર્ડ બનાવ્યો છે. UPI અને કાર્ડથી એક વર્ષમાં ભારતમાં રેકોર્ડ વધારો થયો છે. આ મામલે દેશનાં બધાં શહેરોની યાદીમાં બેન્ગલુરુ ટોચ પર છે, જેમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ કર્યું છે.
બેન્ગલુરુએ વર્ષ 2022માં રૂ. 6500 કરોડના 28 કરોડ ડિજિટલ લેવડદેવડ કરી છે. આ યાદીમાં દિલ્હી બીજા ક્રમે છે. દિલ્હીવાસીઓએ રૂ. 5000 કરોડના 1.96 કરોડ ડિજિટલ લેવડદેવડ કરી છે. ત્યાર બાદ મુંબઈમાં રૂ. 4950 કરોડની 1.87 કરોડ લેવડદેવડ થઈ છે. ચોથ ક્રમે રૂ. 3280 કરોડના 1.5 કરોડની ડિજિટલ લેવડદેવડ સાથે પુણે અને રૂ. 3550 કરોડના 1.43 કરોડની લેવડદેવડ સાથે ચેન્નઈ છે.
ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ એન્યુઅલ રિપોર્ટમાં UPI, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, પ્રિપેડ પેમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવી ચુકવણી પદ્ધતિ, મોબાઇલ અને પ્રિપેડ કાર્ડથી 149.5 લાખ કરોડના મૂલ્યના 87.92 અબજ લેવડદેવડના વ્યવહારો થયા છે. રિપોર્ટ અનુસાર UPI દ્વારા વોલ્યુમમાં 74.05 અબજથી વધુના અને મૂલ્યની મામલે 126 લાખ કરોડથી વધુની લેવડદેવડ થયા હતા. એ ગયા વર્ષની તુલાએ બે ગણા થયા છે, કેમ કે 2021ની તુલનામાં 2022માં 91 ટકા અને મૂલ્યમાં 76 ટકા વધુ નોંધાયા હતા. વર્ષ 2022માં ટોચનાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ ડિજિટલ ચુકવણી કરવામાં આવી હતી.
