ATM વિશે રિઝર્વ બેન્કનો ખુલાસોઃ નિષ્ફળ જનાર ટ્રાન્ઝેક્શનનો પાંચ-મફત ટ્રાન્ઝેક્શનમાં સમાવેશ નહીં કરાય

મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ સ્પષ્ટતા કરી છે કે એટીએમ મશીનો પર જે સોદાઓ કોઈ ટેક્નિકલ કારણસર કે કોઈ અન્ય ચોક્કસ દર્શાવેલા કારણોસર નિષ્ફળ જાય તો એનો સમાવેશ બેન્કો દ્વારા ખાતેદારોને નિશ્ચિત કરાયેલા માસિક પાંચ મફત એટીએમ સોદાઓમાં કરવામાં નહીં આવે.

આરબીઆઈએ એક નોટિફિકેશન દ્વારા સ્પષ્ટતા કરી છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે કોઈ ટેકનિકલ કારણસર કે એટીએમ મશીનોમાં કરન્સી ઉપલબ્ધ ન હોવાને કારણે જે સોદા નિષ્ફળ જાય એમનો પણ મફત નક્કી કરાયેલા એટીએમ સોદાઓમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

તેથી અત્રે સ્પષ્ટતા કરીએ છીએ કે હાર્ડવેર, સોફ્ટવેર, કમ્યુનિકેશનના પ્રશ્નો જેવા ટેકનિકલ કારણોસર, એટીએમ મશીનમાં કરન્સી ઉપલબ્ધ ન હોવાને કારણે કે બેન્ક કે સર્વિસ પ્રોવાઈડરને સંબંધિત હોય એવા કારણોસર, અમાન્ય PIN નંબર અથવા વેલિડેશન નિયમ વગેરેને કારણે જો એટીએમ મશીન પરનો સોદો નિષ્ફળ જશે તો એની ગણતરી ગ્રાહકો માટેના કાયદેસર નક્કી કરાયેલા એટીએમ સોદાઓની સંખ્યામાં કરવામાં નહીં આવે.

એવી જ રીતે, રોકડ ઉપાડ વગરના સોદાઓ (જેમ કે બેલેન્સની જાણકારી, ચેક બૂક ઈસ્યૂ કરવા માટેની વિનંતી, ટેક્સની ચૂકવણી, ફન્ડ્સ ટ્રાન્સફર)ની ગણતરી પણ મફત એટીએમ સોદાઓમાં કરવામાં નહીં આવે, કારણ કે આ બધા ‘on-us’ સોદાઓ ગણાય છે, એમ પણ આરબીઆઈએ વધુમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એટીએમ યૂઝરને દર મહિને પાંચ ટ્રાન્ઝેક્શન મફતમાં કરવા મળે છે. એની પર બેન્ક કોઈ ચાર્જ લગાડતી નથી. જોકે ઘણી બેન્કો અત્યાર સુધી ફેલ જનાર ટ્રાન્ઝેક્શનને પણ મફત ટ્રાન્ઝેક્શનમાં ગણી લેતી હતી. એને લીધે બેન્કના ગ્રાહકને મફત સોદાનો લાભ મળતો નહોતો. હવેથી, જે બેન્કનું કાર્ડ હોય એના જ એટીએમ મશીનમાં બેલેન્સ ઈન્કવાયરી, ચેક બુક રિક્વેસ્ટ, ટેક્સ પેમેન્ટ, ફન્ડ ટ્રાન્સફર વગેરે જેવા નોન-કેશ વિથડ્રોઅલ ટ્રાન્ઝેક્શન જેવા સોદાઓની પણ મફત સોદાઓમાં ગણતરી કરવામાં નહીં આવે.

સામાન્ય રીતે, જે બેન્કનું એટીએમ કાર્ડ હોય, એના જ વડે એટીએમ મશીનમાંથી દર મહિને વધુમાં વધુ પાંચ ટ્રાન્ઝેક્શન મફતમાં કરવા મળે છે. જ્યારે અન્ય બેન્કના એટીએમ મશીનમાંથી વધુમાં વધુ 3 અથવા પાંચ ટ્રાન્ઝેક્શન મફતમાં મળે છે.