RBI દક્ષિણ એશિયાના દેશો સાથે રૂપીમાં વેપાર શરૂ કરવા સક્રિય

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે આવનારાં વષોમાં સરહદ પાસ વેપાર કરવા માટે ડિજિટલ કરન્સીની શક્યતા છે, જે માટે  આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય રૂપિયાનો વિનિમય ચલણ તરીકે ઉપયોગ શરૂ કરવા માટે’ રિઝર્વ બેન્ક દક્ષિણ એશિયાના દેશો સાથે મંત્રણા કરી રહ્યું છે.
સેન્ટ્રલ બેન્ક – ડિજિટલ કરન્સી (CBDC) પ્રાથમિ તબક્કામાં છે અને રિઝર્વ બેન્ક ડિજિટલ રૂપિયો વ્યવહારમાં મૂકવાની દિશામાં ખૂબ જ કાળજીપૂર્વક અને સાવચેતીથી આગળ વધી રહી હોવાનું દાસે ઉમેર્યું હતું.
રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સીનો હોલસેલ પાઇલટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક રજૂ કર્યા બાદ પહેલી ડિસેમ્બર, 2022થી રિટેલ CBDCનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. IMFની પરિષદને સંબોધતાં દાસે જણાવ્યું હતું કે વૈશ્વિક વેપારનું ભાવિ ધૂંધળું હોવાથી દક્ષિણ એશિયાનાં રાષ્ટ્રો માટે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા વિકાસ અને રોજગારીની તકો વધારવાની ઉત્તમ તક ઉપલબ્ધ છે. દાસે કોવિડ, ફુગાવો, કડક નાણાં નીતિ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા વ્યૂહાત્મક પડકારોનો સામનો કરવા માટે દક્ષિણ એશિયન રાષ્ટ્રો માટે છ નીતિની પ્રાથમિકતાની રૂપરેખા રજૂ કરી હતી.

બહારના ઘણા બધા આંચકાઓને કારણે દક્ષિણ એશિયાના દેશોનાં અર્થતંત્રો ઉપર ફુગાવાનું દબાણ વધ્યું છે. ફુગાવાનો સફળતાપૂર્વક સામનો વિશ્વસનીય નાણાં નીતિ, પુરવઠાની બાબતે લક્ષ્ય આધારિત હસ્તક્ષેપ, વિશ્વસનીય નાણાં નીતિ અને વહીવટી પગલાંઓ અગત્યનાં સાધનો છે એમ દાસે કહ્યું હતું.તાજેતરમાં કોમોડિટીના ભાવ ઘટયા અને પુરવઠાની સ્થિતિ સુધરી છે, તેને કારણે ભવિષ્યમાં ફુગાવાનું દબાણ ઘટશે. ફુગાવાના ઊંચા દરને કારણે વિકાસ અને મૂડીરોકાણ માટે જોખમ ઊભું થઈ શકે. દક્ષિણ એશિયન વિસ્તારો માટે ભાવની સ્થિરતાને પ્રાથમિકતા આપવી એ શ્રેષ્ઠ પસંદગી કહી શકાય એમ દાસે જણાવ્યું હતું.