BSEએ SMEsના વિકાસ માટે ગોવા સરકાર સાથે હાથ મિલાવ્યા

મુંબઈઃ BSE (બોમ્બે સ્ટોક એકસચેંજ)એ ગોવા સરકાર સાથે સમજૂતી કરાર (MOU) કર્યા છે, જે હેઠળ BSE ગોવા રાજ્યમાં SME (સ્મોલ એન્ડ મિ઼ડિયમ એન્ટરપ્રાઇસિસ)ના લિસ્ટિંગના લાભો સંબંધિત જાગૃતિ લાવવા માટેની કામગીરી કરશે અને રાજ્યોના SMEsને ઈક્વિટી મૂડી એકત્ર કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડશે. આ કરાર પ્રમાણે ગોવાનો વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર્સ દ્વારા SME પ્રતિનિધિઓનો તેમ જ રાજ્યનાં પ્રાદેશિક એસોસિયેશન્સનો સંપર્ક કરશે, જેમના સભ્યોને એક્સચેન્જ દ્વારા યોજાનારા ક્ષમતા વિસ્તરણ સંબંધિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે પ્રોત્સાહિત કરશે.

BSE દેશનું સૌથી મોટું SME એક્સચેન્જ છે, જ્યાં 400થી અધિક કંપનીઓ લિસ્ટેડ છે.આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે દેશના અર્થતંત્રમાં SME મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને BSE SME એક્સચેન્જે દેશનાં હજારો SMEsની જરૂરિયાતોને સંતોષવાનું વિઝન રાખ્યું છે. ગોવા સરકાર સાથેનું આ જોડાણ રાજ્યના નાના અને મધ્યમ એકમો માટેની અસંખ્ય તકો નિર્માણ કરશે.

ગોવા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર પી. પ્રવિમલ અભિષેકે કહ્યું હતું કે વડા પ્રધાનના વિઝનને અનુરૂપ ગોવા સરકાર SMEsને સપોર્ટ કરવા કટિબદ્ધ છે. BSE સાથેનો MOU એ દિશામાંનું પગલું છે. મને આશા છે કે SME ક્ષેત્ર હવે મૂડી એકત્ર કરી વધુ ગતિશીલ બનશે અને વધુ ને વધુ લોકોને રોજગાર પૂરો પાડશે.

BSEના SME એન્ડ સ્ટાર્ટઅપ સેગમેન્ટના હેડ અજય ઠાકુરે આ પ્રસંગે કહ્યું કે અમારો હેતુ રાષ્ટ્રનાં SMEs સુધી પહોંચી તેમને મૂડી એકત્ર કરવામાં સહાય કરવાનો, તેમના મૂલ્યમાં વધારો કરવાનો અને તેમની ઉપસ્થિતિ અને પારદર્શકતા વધારવાનો છે.