ફિચે રેટિંગ ઘટાડતાં ભારતીય શેરબજારોમાં નફારૂપી વેચવાલી

અમદાવાદઃ ભારતીય બજારો નરમાઈ સાથે ખૂલ્યાં હતાં અને પછી ફિચ દ્વારા અમેરિકાની સોવરિન ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કરવામાં આવતાં વિશ્વનાં બજારોમાં નરમાઈની વચ્ચે સ્થાનિક શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. બપોરે ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ એક તબક્કે 1028 પોઇન્ટ તૂટ્યો હતો. બધા સેક્ટરોના શેરોમાં વેચવાલી થઈ હતી. અમેરિકા, ચીન અને યુરો ઝોનનાં અર્થતંત્રો સ્લોડાઉન થવાના સંકેતોએ એશિયન બજારોમાં પણ મંદીતરફી વાતાવરણ હતું.  

રેટિંગ એજન્સી ફિચે અમેરિકાના સોવેરિન રેટિંગ ઘટાડવાના અહેવાલે બજારમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી. જેથી BSE સેન્સેક્સ 1000 કરતાં વધુ અને NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 291 પોઈન્ટ તૂટી ગયો હતો, પણ બજાર બંધ થવાના સમયે મંદીવાળાઓના વેચાણો કપાતાં સેન્સેક્સ 676.53 પોઇન્ટ તૂટીને 65,782.78 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 207 પોઇન્ટ તૂટીને 19,526.55 પોઇન્ટ તૂટીને બંધ થયો હતો. આ સાથે ભારતીય શેરબજારોનો વોલેટાઇલ બેરોમીટર ઇન્ડિયા VIX 15 ટકા વધ્યો હતો અને છેલ્લે 11.63 ટકા વધીને બંધ થયો હતો.

બજારમાં બેન્કિંગ, ઓટો અને મેટલ ક્ષેત્રોના શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. NSEમાં નિફ્ટી PSU બેન્ક અને નિફ્ટી મેટલ ત્રણ ટકા જેટલા તૂટ્યા હતા, જ્યારે નિફ્ટી બેન્ક ઇન્ટ્રા-ડેમાં આશરે બે ટકા તૂટી ગયો હતો.

રોકાણકારોના રૂ. 3.49 લાખ કરોડ સ્વાહા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 303.31 લાખ કરોડે આવી ગયું હતું, જે પહેલી ઓગસ્ટે રૂ.306.80 લાખ કરોડે હતું. આમ રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 3.49 લાખ કરોડનો ઘટાડો થયો હતો. વળી, વિદેશી સંસ્થાકીય રોકાણકારો છેલ્લા ચાર-પાંચ મહિનાથી સતત લેવાલી કરી હતી, પરંતુ તેમના વર્તનમાં પરિવર્તન જોવા મળે છે. તેમણે ગઈ કાલે રૂ. 774 કરોડના શેર વેચ્યા હતા. હવે જો આવનારા સમયમાં FII વેચવાલ રહેશે તો બજાર સેન્ટિમેન્ટ ખરડાશે.