રેકોર્ડ ઊંચાઈથી બજારમાં નફારૂપી વેચવાલીઃ રૂ. ચાર લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં રેકોર્ડ ઊંચાઈ પછી શેરોમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કની આગેવાનીમાં રોકાણકારોએ શેરોમાં વેચવાલી કાઢી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું. ઇન્ફ્રા, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. IT, ઓટો અને બેન્કિંગ શેરો પર પણ દબાણ જોવા મળ્યું હતું. જોકે PSE અને ફાર્મા શેરોંમાં તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનું નુકસાન થયું હતું.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદરોમાં કાપ મૂકવા બાબતે સ્પષ્ટ સંકેત ના મળતાં ભારતીય શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી BSE સેન્સેક્સ 733 પોઇન્ટ તૂટીને 73,878ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 172 પોઇન્ટ તૂટીને 22,476ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીએ પણ મહત્ત્વની 22,500ની સપાટી તોડી હતી.

સેબીએ અદાણી ગ્રુપની કંપનીઓને કારણબતાવો નોટિસ મોકલી હતી. સેબે સંબંધિત પક્ષની લેવડદેવડના ઉલ્લંઘન અને લિસ્ટિંગના નિયમોનું પાલન નહીં કરવાને કારણે આ નોટિસ પાઠવી હતી.

BSE સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં એક તબક્કે 1600 પોઇન્ટ તૂટી ગયું હતું, પણ વેચાણો કપાતાં બજાર સુધર્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું. સેન્સેક્સના 30માંથી 24 અને નિફ્ટીના 50માંથી 35 શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ભારતીય રૂપિયો પાંચ પૈસા મજબૂત થઈને 83.42ના મથાળે બંધ થયો હતો.