હેવી વેઇટ શેરોની આગેવાની શેરોમાં નફારૂપી વેચવાલી

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. હેવી વેઇટ શેરોની આગેવાની શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ તૂટીને 22,350ની નીચે બંધ આવ્યો હતો. સ્મોલકેપ શેરોમાં જોરદાર નફારૂપી વેચવાલી થઈ હતી. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ બે ટકાથી વધુ તૂટ્યો હતો. રોકાણકારોએ આશરે રૂ. 3.21 લાખ કરોડ ગુમાવ્યા હતા. ફાર્મા સિવાય બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. રિયલ્ટી બેન્કિંગ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન્સ અને કોમોડિટી શેરોના ઇન્ડેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા.

બજારના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી હતી. સેન્સેક્સ 617 પોઇન્ટ તૂટીને 73,503ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 161 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 508 પોઇન્ટ તૂટીને 47,328ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 192 પોઇન્ટ તૂટીને 48,775ના સ્તરે બંધ થયો હતો.

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી SBI બે ટકા તૂટ્યો હતો. BSE એક્સચેન્જ પર 4081 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 923 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 3036 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 122 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 193 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 105 શેરો 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

બજારમાં રોકાણકારોની નજર હવે મંગળવારે જાહેર થનારા US ઇન્ફ્લેશન ડેટા પર છે, કેમ કે જો મોંઘવારી દર ઘટશે તો US ફેડ વ્યાજદરમાં કાપના સંજોગો ઊજળા બનશે.