બજેટ અગાઉ શેરબજારમાં સાવચેતીનો મુડ, સેન્સેક્સ 68 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં બજેટ અગાઉની સેશનમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. આજે સતત બીજા દિવસે તેજીવાળા ખેલાડીઓએ સાવચેતીરૂપી વેચવાલી કાઢી હતી. ગ્લોબલ માર્કેટના પણ નેગેટિવ રીપોર્ટ હતા, તેમજ નાણાપ્રધાન અરૂણ જેટલીનું બજેટ અનેક છુટછાટો અને આર્થિક સુધારાને આગળ લઈ જનારું હશે, જેવો આશાવાદ હોવા છતાં શેરબજાર સાવચેતીના મુડમાં હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 68.71(0.19 ટકા) ઘટી 35,965.02 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 21.95(0.20 ટકા) ઘટી 11,027.70 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ સવારે ભારતીય શેરોના ભાવ નરમ જ ખુલ્યા હતા. ત્યાર બાદ સાવચેતીરૂપી વેચવાલી હતી. તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણની પોઝીશન થોડીઘણી સરખી કરી હતી. પરિણામે માર્કેટ ઘટ્યું હતું. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા અડધા કલાકમાં બ્લુચિપ શેરોમાં અને બજેટ આધારિત જે સેકટરમાં છુટછાટ આવવાની છે, તેવા સેકટરના શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. અને ઘટ્યા મથાળેથી ઈન્ડેક્સ થોડા સુધર્યા હતા.

 • નાણાપ્રધાન અરૂણ જેટલીએ ઈકોનોમિક સર્વેમાં અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર રજૂ કર્યું છે.
 • પહેલી ફેબ્રુઆરીએ બજેટ આર્થિક સુધારાને વેગવાન બનાવતું આવશે, તેવા આશાવાદ પાછળ શેરબજારનો ટોન બુલિશ રહ્યો છે, પણ સાથે સાવચેતી પણ રખાઈ રહી છે.
 • જેટલી બજેટમાં ફિસ્કલ ડેફિસીટને કેવી રીતે કાબુમાં લે છે, અને સબસિડીમાં ઘટાડો કેવી રીતે કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.
 • કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો આવે છે કે નહી તેમજ સિક્યુરિટીઝ ટ્રાન્ઝક્શન ટેક્સમાં ઘટાડો થાય છે કે નહી તેના પર શેરબજાર મીટ માંડીને બેઠું છે.
 • મંગળવારે એફઆઈઆઈએ રૂપિયા 105 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂ.281 કરોડનું વેચાણ કર્યું હતું.
 • અમેરિકન સ્ટોક પણ બીજા દિવસે ઘટયું હતું. મંગળવારે રાત્રે ડાઉ 363 પોઈન્ટ તૂટ્યો હતો, અને નેસ્ડેક 64 પોઈન્ટ ગબડ્યો હતો.
 • અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટ ઓફ ધ યુનિયનમાં સંબોધન પછી ડાઉ જોન્સ ફયુચર 63 પોઈન્ટ અને નેસ્ડેક ફયુચર 12 પોઈન્ટ પ્લસ હતા.
 • આજે નરમ બજારમાં પણ બેંક, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.
 • જ્યારે અન્ય તમામ સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
 • રોકડાના શેરોમાં ભારે વેચવાલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 227.19 ઘટ્યો હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 156.81 માઈનસ હતો.
 • સતત ત્રણ દિવસથી રોકડાના શેરોના ભાવ ઘટી રહ્યા છે.
 • પીવીઆરનો ત્રીજા કવાર્ટરમાં નફો 20.8 ટકા વધ્યો
 • અરવિંદનો નફો 8 ટકા વધ્યો અને આવક 15.9 ટકા વધી
 • ડાબરનો નફો 13 ટકા વધ્યો અને કુલ આવક 6.1 ટકા વધી
 • એસ્કોર્ટે ત્રીજા ત્રિમાસિકગાળામાં 92 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે.
 • વેદાંતાનો નફો 3.8 ટકા ઘટ્યો જ્યારે કુલ આવક 25.5 ટકા વધી