બેજિંગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે થનારી બ્રિક્સ સમિટમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવતા સપ્તાહે જોહાનિસબર્ગમાં થનારી બ્રિક્સ સમિટથી અલગ પ્રેસિડેન્ટ જિનપિંગ અને પીએમ મોદી અમેરિકાના ટ્રેડવોર અને તેની સંરક્ષણવાદી વ્યાપાર નીતિ પર વાતચીત કરશે.
શી અને મોદી ત્રણ દિવસ ચાલનારી બ્રિક્સ સમીટમાં વન ટુ વન મુલાકાત કરશે. બ્રિક્સ સમિટ 25 જુલાઈથી શરૂ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપક રીતે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકા ચીન પર કપટપૂર્ણ વ્યાપાર કરવાનો આક્ષેપ કરી રહ્યું છે.
ત્યારે આ વચ્ચે ભારતે ગત મહિને 30 અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે. ભારતનું આ પગલું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય સ્ટીલ અને એલ્યુમીનિયમ પર વધારે ટેક્સ લગાવવાના જવાબમાં ઉઠાવવામાં આવ્યું છે. બ્રિક્સમાં બ્રાઝીલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રીકા જેવા દેશો સમાવિષ્ટ છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચનિંગે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી નિજપિંગ અને વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટ માટે સાઉથ આફ્રીકા જશે. સમીટમાં શી ભારત અને અન્ય બીજા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
વડાપ્રધાન મોદી અને જિનપિંગ આ વર્ષે ત્રીજીવાર મીટિંગ કરી રહ્યા છે. આ પહેલા બંન્ને નેતાઓની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન મે અને ત્યારબાદ એપ્રિલમાં વહાનમાં મળ્યા હતા.