નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો બેરોકટોક ચાલુ છે. છેલ્લા 66 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમનાં 37 વાર વધારો કરવામાં આવ્યો છે, જેમાં ઇંધણના રિટેલરોએ ગુરુવારે પેટ્રોલની કિંમતોમાં લિટરદીઠ 35 પૈસાનો વધારો કર્યો હતો, જ્યારે ડીઝલમાં લિટરદીઠ નવ પૈસાનો વધારો કર્યો હતો. જોકે સામે પક્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં 5.5 ટકા કરતાં વધુનો ઘટાડો થયો હતો.
દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ બાદ ચોથી મેથી લિટરદીઠ પેટ્રોલમાં રૂ. 10.16નો અને ડીઝલમાં રૂ. 8.89નો વધારો થયો છે. જેથી નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 100.56 અને ડીઝલની કિંમત રૂ. 89.62 થઈ છે.
બુધવારે દેશનાં પાંચ શહેરો- દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને બેંગલુરુમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 100ને પાર થઈ હતી. આર્થિક રાજધાનીમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 106.59 અને ડીઝલ રૂ. 97.18એ પહોચ્યું હતું. જોકે સૌથી ઈંધણની કિંમતો રાજસ્થાનના ગંગાનગરમાં નોંધવામાં આવી હતી, જ્યાં પમ્પ પેટ્રોલ રૂ. 111.87એ અને ડીઝલ રૂ. 102.87 પ્રતિ લિટરે પર વેચાતું હતું.
ભારત 80 ટકાથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે, એટલે આંતરરાષ્ટ્રીય ઓઇલની કિંમતો સ્થાનિકમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને અસર કરે છે.
બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 77.16 ડોલર પ્રતિ બેરલથી ઘટીને ઓક્ટોબર 2018 પછી મહત્તમ સ્તરથી ગુરુવારે 72.45 ડોલરની આસપાસ ટ્રેડ થતું હતું. જે છેલ્લા ત્રણ દિવસમાં આશરે 5.5 ટકા ઘટી ગયું હતું.