દેશનાં 11 રાજ્યોમાં પેટ્રોલ ₹-100ને પાર

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો કરવામાં આવ્યો છે. આ મહિને નવમી વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે દેશમાં પેટ્રોલ લિટરદીઠ રૂ. 108 અને ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. 101એ પહોંચી છે. દેશનાં 11 રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર થયું છે. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બધા જિલ્લાઓમાં પેટ્રોલ રૂ. 100ને પાર પહોંચ્યું છે, જ્યારે બિહાર, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ-કાશમીર, મણિપુર, ઓડિશા અને લદ્દાખમાં કેટલીક જગ્યાએ પેટ્રોલ રૂ. 100ની પાર નીકળ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને ઉત્પાદન ખર્ચ વધવાને લીધે જથ્થાબંધ મોંઘવારીનો દર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. જથ્થાબંધ ફુગાવાનો દર 12.94 ટકાએ પહોંચ્યો છે, જે મે 2020માં (-) 3.37 ટકા હતો. આ પહેલાં એપ્રિલમાં એ 10.49 ટકા હતો. સરકાર દ્વારા જથ્થાબંધ મોંધવારી માટે કહેવામાં આવ્યું છે કે ક્રૂડ પેટ્રોલિયમ, મિનરલ, ઓઇલની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી વધી છે, કેમ કે એનાથી પેટ્રોલ, ડીઝલ, નેપ્થા અને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો મોંઘા થયાં છે.

અમેરિકી અર્થતંત્ર ખૂલી ગયું છે. યુરોપિયન દેશોમાં પણ જીવન સામાન્ય થઈ રહ્યું છે. જેથી પેટ્રોલિયમ પદાર્થોની માગ વધી રહી છે. ક્રૂડની કિંમતો પણ વધી છે. અમેરિકી બજારોમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 74 ડોલરને પાર થયું છે.

સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કાબૂ મેળવવા માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લે એવી શક્યતા છે. પાર્લમેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી 17 જૂને આ માટે બેઠક કરવાની છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2020-21ના નવ મહિનામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બર સુધી રૂ. 2.35 લાખ કરોડની કમાણી કરી હતી.