નવી દિલ્હી – યોગગુરુ બાબા રામદેવના સંચાલન હેઠળની પતંજલિ આયુર્વેદ કંપનીએ ગાયનાં દૂધ અને પનીર તથા દહીં સહિત દૂધ-આધારિત ઉત્પાદનો લોન્ચ કરીને ડેરી ઉદ્યોગમાં ઝંપલાવ્યાની જાહેરાત કરી છે. પતંજલિએ ડેરી સેક્ટરમાં પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરીને દૂધ, દહીં, છાશ અને પનીર લોન્ચ કર્યા છે.
ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પતંજલિએ નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 1000 કરોડના ઉત્પાદન વેચાણનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે આ સેગમેન્ટમાંથી વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 500 કરોડનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
પતંજલિએ પ્રથમ તબક્કામાં દિલ્હી-રાષ્ટ્રીય પાટનગર, મુંબઈ, પુણે અને રાજસ્થાનમાં દૂધ સપ્લાય કરવા માટે 56,000 રીટેલરો સાથે સહયોગ કર્યો છે.
રામદેવે કહ્યું છે કે અમે પ્રતિદિન 10 લાખ લીટર દૂધનું વેચાણ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
રેગ્યૂલર દૂધ ઉપરાંત પતંજલિ ટેટ્રા પેક્સમાં દૂધ તથા દૂધ સંબંધિત ઉત્પાદનો પણ માર્કેટમાં રજૂ કરવાની છે. કંપની પોતાના નેટવર્ક મારફત સીધું કિસાનો પાસેથી જ દૂધ મેળવશે, એમ બાબા રામદેવે જણાવ્યું છે.
રામદેવે વધુમાં જણાવ્યું છે કે અમારી કંપનીનું દૂધ અન્ય સ્થાપિત બ્રાન્ડનાં દૂધ કરતાં બે રૂપિયા સસ્તું હશે.
પતંજલિએ ‘દિવ્ય જલ’ બ્રાન્ડ નેમ હેઠળ પેકેજ્ડ પીવાનાં પાણીને પણ લોન્ચ કર્યું છે. આ પાણી જુદી જુદી પેક સાઈઝમાં મળશે. કંપનીની યોજના કુદરતી મિનરલ વોટર તથા હર્બ મિશ્રિત જળને પણ માર્કેટમાં લોન્ચ કરવાની છે.
httpss://twitter.com/ANI/status/1040205556676481024