નવી દિલ્હીઃ દેશની અગ્રણી કેબ કંપની ઓલાએ તામિલનાડુ સરકારની સાથે સમજૂતી કરાર કર્યા છે. કંપની રાજ્યમાં સૌથી મોટી સ્કૂટરની ફેક્ટરી લગાવવાની છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ નવી ફેક્ટરીના પ્રારંભથી રાજ્યમાં ભારે સંખ્યામાં લોકોને નોકરીઓની તક મળશે. કંપની આ ફેક્ટરીમાં આશરે રૂ. 2400 કરોડનું મૂડીરોકાણ કરશે. આ ફેક્ટરીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ યુનિટ્સ હશે. આ ફેક્ટરીમાં 10,000 લોકોને નોકરી મળશે.
આ ફેક્ટરીથી રોજગારની તક તો ઊભી થશે જ, બલકે, આ દેશના ટેક્નિકલ ક્ષેત્રને મજબૂત બનાવશે. ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. આ ફેક્ટરીમાં ઉત્પાદિત વાહનોને યુરોપિયન, એશિયન અને લેટિન અમેરિકાનાં બજારોમાં પણ નિકાસ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે ભારત વિશ્વમાં ઇલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગનું હબ બનીને ઊભરશે. કંપનીએ ટૂંક સમયમાં બજારમાં એનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પહેલાં કંપનીએ જાહેરાત કરી હતી કે કંપની ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ માટે 2000 લોકોને હાયર કરશે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. ઓલાના આ નવા પ્લાન્ટથી દેશના ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં મોટું પ્રોત્સાહન મળશે. ભારત વિશ્વનું સૌથી મોટું ટૂ વ્હીલર બજાર છે.