મુંબઈઃ દેશની શેરબજારમાં આજે આગમન કરનાર મુંબઈસ્થિત બ્યુટી સ્ટાર્ટઅપ, બ્યૂટી-ફેશન પ્રોડક્ટ્સ કંપની નાયકાનાં સ્થાપક ફાલ્ગુની નાયર હવે ભારતનાં સૌથી શ્રીમંત સેલ્ફ-મેડ મહિલા અબજપતિ બની ગયાં છે. નાયકાનો શેર 79 ટકા પ્રીમિયમના ભાવે આજે લિસ્ટેડ થયો છે. નાયકાનો શેર તેના ઈસ્યૂ ભાવ રૂ. 1,125 સામે આજે 79 ટકા ઊંચા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો.
FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ (નાયકા)ના શેરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)માં રૂ. 2,001ના ભાવે ડેબ્યૂ કર્યું હતું અને એણે 77.86 ટકાની છલાંગ લગાવી છે. એ 89.24 ટકા ઉછળીને રૂ. 2,129 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નાયકાનો શેર 79.37 ટકાના પ્રીમિયમ ઉપર રૂ. 2,018ના ભાવે લિસ્ટ થયો હતો. બીએસઈમાં, કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 97,754.06 કરોડનું યથાવત્ રહ્યું છે. આ મહિનાના આરંભે નાયકાના શેરનું ભરણું 81.78 ગણું વધારે ભરાયું હતું. રૂ. 5,352 કરોડનો શેર ઈસ્યૂ (આઈપીઓ)માં શેરનો ભાવ રૂ. 1,058-1,125ની રેન્જમાં હતો. નાયકાના જોરદાર દેખાવને પગલે ફાલ્ગુની નાયરની સંપત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે અને તે વધીને 6.5 અબજ ડોલર થઈ ગઈ છે. આ સાથે તે દુનિયાનાં સૌથી શ્રીમંત સેલ્ફ-મેડ મહિલા અબજપતિની યાદીમાં સામેલ થયાં છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં માત્ર છ ભારતીય મહિલા અબજપતિ છે અને ફાલ્ગુની નાયર હવે એમાંનાં એક છે.
નાયકા કંપની બ્યૂટી, પર્સનલ કેર અને ફેશન પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. તેની બે મુખ્ય બ્રાન્ડ છે – નાયકા અને નાયકા ફેશન. શેરબજારમાં આજના સોદાનો આરંભ થયો એની પાંચ મિનિટમાં જ નાયકાનું એકંદર માર્કેટ વેલ્યૂએશન રૂ. 1 ટ્રિલિયન (13.5 અબજ ડોલર)નું થઈ ગયું હતું. ફાલ્ગુની નાયરે 2011માં નાયકાની સ્થાપના કરી હતી. આ સ્ટાર્ટઅપે ઝડપી પ્રગતિ હાંસલ કરી હતી. તે પોતાનાં ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓ માટેનાં કોસ્મેટિક્સ વેચે છે. નાયકાની સ્થાપના પૂર્વે ફાલ્ગુની નાયર ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં હતાં. નાયકાની માલિકી બે પરિવારના નામે રચાયેલા ટ્રસ્ટની છે અને એમાં સાત અન્ય પ્રમોટર્સ છે. પ્રમોટર્સમાં ફાલ્ગુની નાયરનાં પુત્ર અને પુત્રીનો પણ સમાવેશ થાય છે.