પુણેના ખેડૂતનો શાકભાજીના સ્ટાર્ટઅપ થકી કરોડોનો વેપાર

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ઉમેશ દેવકર મેકેનિકલ એન્જિનિયર છે, જેમણે સેલ્સ માર્કેટિંગથી માંડીને ચારો વેચવા સુધીનું કામ કર્યું છે. એ પછી તેઓ ફાર્મિંગ ક્ષેત્રે આવી ગયા. છેલ્લાં ચાર વર્ષમાં તેઓ ‘ફાર્મ ટુ હોમ’ નામે સ્ટાર્ટઅપ ચલાવે છે. તેઓ ફળ, શાકભાજી અને ડેરી પ્રોડક્ટ સીધા ફાર્મ હાઉસથી ગ્રાહકોના ઘરે પહોંચાડે છે. તેમની પાસે પ્રતિ દિન 250થી વધુના ઓર્ડર્સ આવે છે. તેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 2.5 કરોડનું છે.

45 વર્ષીય ઉમેશ ખેડૂત પરિવારમાંથી આવે છે. વર્ષ 1999માં એન્જિનિયરિંગ કર્યા પછી તેમને આશા હતી કે તેમને સારી નોકરી મળશે, પણ એવું ન થયું. આકરી મહેનત કર્યા પછી તેમને એક કંપનીમાં રૂ. 3500ના પગારની સેલસમેનની નોકરી મળી. એ પછી તેમને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે નોકરી મળી પણ પગાર કંઈ ખાસ નહોતો. એ નોકરીમાંથી કસ ન હોવાથી ઉમેશભાઈએ ભાંડુપમાં એક સોસાયટી બહાર શાકભાજી વેચવાનું શરૂ કર્યું. તેઓ ખેડૂત પરિવારમાંથી આવતા હોવાને કારણે તેમણે ખેતીમાં જ કરિયર બનાવી લીધી.

ઉમેશ મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં જઈને શાકભાજી વેચવા માંડ્યા. તેઓ ખેતરમાંથી તાજા શાકભાજી લાવતા અને વિવિધ જગ્યાએ જઈને એ વેચતા. જેથી ગ્રાહકો પણ તેમના શાકભાજીની માગ કરવા લાગ્યા. તેમણે ધીમે-ધીમે વોટ્સઅપ, ફેસબુક પર ગ્રુપ બનાવ્યાં અને માગ મુજબ શાકભાજીનો પુરવઠો પૂરો પાડવા લાગ્યા. એ પછી તેમણે હોમ ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આમ તેમણે શાકભાજીની સાથે ફળો અને ડેરી ઉત્પાદનોની સપ્લાય કરવા લાગ્યા. એ પછી કોવિડના સમયમાં તેમણે વેબસાઇટ લોન્ચ કરી. આમ તેમનો વેપાર વિસ્તરતાં હાલ તેમની સાથે 30 લોકો કામ કરી રહ્યા છે. તેમણે તેમની સાથે 100થી વધુ ખેડૂતોને જોડ્યા છે. જેનાથી ખેડૂતો પણ સારીએવી કમાણી કરી રહ્યા છે.