મુંબઈઃ પંદર વર્ષ પૂર્વે નેશનલ સ્ટોક એક્સચેન્જે તેના કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો આરંભ કર્યો હતો ત્યારે પ્રથમ દિવસે રૂ.291 કરોડના કુલ મૂલ્યના 65,798 કોન્ટ્રેક્ટ્સ થયા હતા. પ્રારંભમાં માત્ર ડોલર અને રૂપી કરન્સી ડેરિવેટિવ્ઝના કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે ઓફર કરવામાં આવ્યા હતા, જ્યારે અત્યારે એક્સચેન્જ સાત કરન્સી પેર્સ (જોડીઓ)ના કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે ઓફર કરે છે.
આ પેર્સમાં યુએસ ડોલર, યુરો, જપાનીઝ યેન અને પાઉન્ડ સ્ટર્લિંગ સાથે ઈન્ડિયન રૂપી અને યુરો, પાઉન્ડ સ્ટર્લિંગ અને જપાનીઝ યેન સાથે અમેરિકી ડોલરની જોડીઓના કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે પૂરા પાડે છે.
છેલ્લાં 15 વર્ષની કામગીરીમાં કરન્સી સેગમેન્ટમાં રૂ.609 ટ્રિલ્યન મૂલ્યના 20 અબજ કોન્ટ્રેક્ટ્સ થયા છે. છેલ્લાં 10 વર્ષમાં ટ્રેડ થયેલા કોન્ટ્રેક્ટ્સની સરેરાશ દૈનિક સંખ્યા નાણાકીય વર્ષ 2014ના 27 લાખથી વધીને નાણાકીય વર્ષ 2023માં 1.92 કરોડની થઈ છે. આમ ટ્રેડ થયેલા કોન્ટ્રેક્ટની સંખ્યામાં સાત ગણો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.120 અબજ પરથી વધીને 2023માં રૂ.414 અબજ થયું છે.
આ પ્રસંગે એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણે કહ્યું છે કે એનએસઈના કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટની સફળતા બદલ હું. ભારત સરકાર, સેબી, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ફાઈનાન્સિયલ બેન્ચમાર્ક્સ ઈન્ડિયા, ટ્રેડિંગ મેમ્બર્સ, રોકાણકારો, ઉદ્યોગ સંગઠનો અને બધા હિતધારકોનો આભાર માનું છું. એનએસઈ કરન્સી ડેરિવેટિવ્ઝના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.