નવી દિલ્હીઃ જો તમે રેલ ટિકીટ રીફંડ માટે અરજી કરી છે તો તેનું અપડેટ જાણવા માટે રેલવે કાઉન્ટરો પર જવાની જરૂર નથી. ટિકીટના પીએનઆર નંબરથી જ રીફંડનું લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત કરી શકો છો. આનાથી ખ્યાલ આવશે કે રીફંડ મંજૂર થયું છે કે નહી અને જો થયું હશે તો ચેક અથવા તો ડ્રાફ્ટ તૈયાર થયો છે કે નથી થયો અથવા તો તેને તમારા સરનામા પર મોકલવામાં આવ્યાં છે કે નહીં.
હવે રેલવેએ વેબસાઈટ refund.indianrail.gov.in તૈયાર કરી છે. આ વેબસાઈટ પર જઈને યાત્રીઓ પોતાની જમા કરાવવામાં આવેલી ટિકીટનો પીએનઆર દાખલ કરીને જોઈ શકે છે કે તેની ટિકીટના રિફંડની સ્થિતી શું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક મામલાઓમાં રીફંડ માટે યાત્રીને પોતાની ટિકીટ જમા કરાવવાની હોય છે અને બાદમાં રેલવે તપાસ કરે છે કે ટિકીટધારકે યાત્રા કરી છે કે નથી કરી. આ પ્રકારના મામલાઓમાં ટિકીટ જમા કરાવતા સમયે યાત્રીને ટીડીઆર આપવામાં આવે છે.
રેલવેનું કહેવું છે કે આઈઆરસીટીસીની વેબસાઈટથી ટિકીટ ખરીદનારા લોકો માટે તો તે જ વેબસાઈટ પર રીફંડની જાણકારી આપવાની વ્યવસ્થા છે પરંતુ કાઉન્ટરથી ટિકીટ ખરીદનારા લોકોને અત્યાર સુધી તકલીફ થતી હતી જે હવે નહી થાય. ઓનલાઈન ટિકીટ લેનારા લોકો પણ આ વેબસાઈટથી રીફંડ સ્ટેટસ રીપોર્ટ જાણી શકે છે.