ભારતની અંદર વિમાન સફર દરમિયાન ફોન કોલ કરી શકાશે; ફ્લાઈટ મોડમાંથી મુક્તિ મળશે

મુંબઈ – લોકો હવે ટૂંક સમયમાં જ ભારતીય સીમા વિસ્તારોની અંદર વિમાન પ્રવાસ તેમજ જહાજી સફર કરતી વખતે એમના મોબાઈલ ફોનમાંથી કોલ્સ કરી શકશે અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી સકશે, કારણ કે કેન્દ્ર સરકારે આવી સેવા પૂરી પાડવા માટેના નિયમો ઘડી કાઢ્યા છે.

ભારતમાં ઓપરેટ કરતી ભારતીય તથા વિદેશી એરલાઈન્સ તથા શિપિંગ કંપનીઓ ઈન-ફ્લાઈટ તથા મેરિટાઈમ વોઈસ એન્ડ ડેટા સર્વિસીસ પૂરી પાડી શકશે. આ માટે એમને સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત ભારતીય ટેલીકોમ લાઈસન્સ હોલ્ડર્સ સાથે ભાગીદારી કરવાની છૂટ આપવામાં આવી છે.

આ વિશેનું નોટિફિકેશન ગઈ 14 ડિસેંબરે ઈસ્યૂ કરવામાં આવ્યું છે. એમાં જણાવવામાં આવ્યું છે કે, નવા નિયમોને ફ્લાઈટ એન્ડ મેરિટાઈમ કનેક્ટિવિટી રૂલ્સ, 2018 તરીકે ગણવામાં આવે છે. આ નોટિફિકેશન ઓફિશિયલ ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી જશે.

જમીન પરના ટેલીકોમ નેટવર્ક્સ તથા સેટેલાઈટનો ઉપયોગ કરીને ઈન-ફ્લાઈટ અને મેરિટાઈમ કનેક્ટિવિટી (IFMC) પૂરી પાડી શકાશે.

ભારત સરકારના સ્પેસ વિભાગની પરવાનગી મેળવ્યા બાદ સ્થાનિક તેમજ વિદેશી સેટેલાઈટ મારફત ભારતમાં સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત ટેલીકોમ લાઈસન્સ ધારક કંપની દ્વારા આ સેવા – IFMC પૂરી પાડી શકાશે.

વિમાન ભારતીય હવાઈ સીમાની અંદર મિનિમમ 3000 મીટરની ઉંચાઈ પર પહોંચશે એ સાથે જ IFMC સેવાઓ સક્રિય થઈ જશે. પ્રાદેશિક મોબાઈલ નેટવર્ક્સ સાથે ઘર્ષણ ન થાય એટલા માટે IFMC માટે મિનિમમ 3000 મીટર ઉંચાઈની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

IFMC લાઈસન્સ વાર્ષિક 1 રૂપિયા અને 10 વર્ષના સમયગાળા માટે મંજૂર કરવામાં આવશે. પરમીટ ધારકે લાઈસન્સ ફી તથા સેવા પૂરી પાડવામાંથી એને જે આવક મળે એના આધારે સ્પેક્ટ્રમ ચાર્જિસ ચૂકવવાના રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]