ન્યૂયોર્કઃ ટેસ્લા ઈલેક્ટ્રિક કાર અને સ્પેસએક્સ કંપનીઓના માલિક બન્યા બાદ દુનિયાના નંબર-1 ઉદ્યોગપતિ ઈલોન મસ્ક હવે ટ્વિટર સોશિયલ મિડિયા કંપનીના બોસ પણ બની ગયા છે. મસ્ક ટ્વિટર પર 2010માં જોડાયા હતા અને આજે એ કંપનીને 44 અબજ ડોલરમાં ખરીદીને એના માલિક બની ગયા છે. ટ્વિટર પર એમના સાડા આઠ કરોડથી વધારે ફોલોઅર્સ છે.
ટ્વિટર સોદો કર્યા બાદ મસ્કના એક નવા ટ્વીટે ધમાચકડી મચાવી દીધી છે. ભારતીય સમય મુજબ આજે સવારે વાઈરલ થયેલા એ ટ્વીટમાં મસ્કે એમ કહ્યું છે કે, ‘હવે હું કોકા-કોલા ખરીદવાનો છું, એમાં કોકેન પાછું લાવવા માટે.’ આ ટ્વીટના અત્યાર સુધીમાં સવા બે લાખથી પણ વધારે રીટ્વીટ થયા છે અને 12 લાખ લાઈક્સ મળ્યા છે. ઘણા ટ્વિટર યૂઝર્સે મસ્કના આ ટ્વીટની મજાક ઉડાવી છે તો ઘણાએ ખુશી વ્યક્ત કરી છે. કેટલાક નેટયૂઝર્સે કહ્યું છે કે એમના દેશમાં કેફી દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ છે. કેટલાકે મીમ્સ શેર કર્યા છે. કેટલાક યૂઝર્સે ફરિયાદ કરી છે કે એમનો ટ્વિટર પરનો આનંદ મસ્ક બગાડી નાખશે. એક જણે લખ્યું છે કે તમે બહુ જ ગરીબ છો, કોકને ખરીદવાનું તમારું ગજું નહીં.
આ છે, ખળભળાટ મચાવી દેનારું મસ્કનું ટ્વીટ…
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022