અમદાવાદઃ મૂડીરોકાણના વિશ્વમાં વર્તમાન સમયમાં દરેક પ્રતિકૂળ બાબત પાછળનું મુખ્ય કારણ કોવિડ-19 છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગમાં એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM)માં થયેલા મોટા ઘટાડા પાછળનું કારણ કંઈ રોગચાળો નથી. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI- એમ્ફી)ના જણાવ્યા અનુસાર માર્ચ, 2020ના અંતમાં ઉદ્યોગની ચોખ્ખી AUM રૂ. 22.26 લાખ કરોડના સ્તરે હતી. જેમાં એના એક મહિના કરતાં પહેલાં નોંધાયેલી ઉદ્યોગની AUM રૂ. 27.23 લાખ કરોડ કરતાં 4.96 લાખ કરોડ અથવા 18.24 ટકા ઘટી હતી અને એક વર્ષ અગાઉની માર્ચ, 2019માં નોંધાયેલી 23.79 લાખ કરોડની તુલનાએ 1.53 લાખ કરોડ ઘટી હતી. જોકે આ માર્ચમાં ઘટાડો ખાસ કરીને ઉદ્યોગમાં રોકાણકારોએ રોકાણ પાછું ખેંચ્યું હતું એને લીધે હતો. ગયા વર્ષે માર્ચમાં ફંડ હાઉસિસમાં 63,181 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો.
એમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ એન.એસ. વેંકટેશના માનવા પ્રમાણે અભૂતપૂર્વ સ્થિતિને લીધે રોકાણકારોએ પણ પ્રતિકૂળ પ્રતિસાદ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રોકાણકારોએ તેમનું વર્તમાન મૂડીરોકાણ ઈક્વિટી ફંડોમાં જાળવી રાખવાને બદલે રિટેલ રોકાણકારોએ તેમનું રોકાણ જાળવી રાખ્યું હતું અને વધુ AUM અને ફોલિયોઝ ઉમેર્યા છે.
રોકાણકારોની સંખ્યામાં વધારો
ફેબ્રુઆરીમાં કુલ 88.83 કરોડ થોડાક વધુ રોકાણકારોના ફોલિયોવૂ સંખ્યા 1.02 ટકા વધીને 89.74 કરોડ થઈ હતી. આની સાથે માર્ચમાં ઈક્વિટી સંબંધિત યોજનાઓમાં 62.69 કરોડ ફોલિયો થયા હતા, જે ફેબ્રુઆરીના 61.98 કરોડ ફોલિયો હતા. આમ 1.14 ટકાનો વધારો થયો હતો. આમાં મહત્ત્વની બાબત એ હતી કે મન્થ્લી ફોલિયો ગ્રોથમાં ધીમો વધારો હતો, જ્યારે એની સરખામણીએ ઈક્વિટી સંબંધિત યોજનામાં ફંડ ફેબ્રુઆરીના 24,784.59 કરોડથી વધીને 30,101.19 કરોડ થયું હતું. આમ ફંડમાં વધારો 5,316.6 કરોડ અથવા 21.45 ટકાનો હતો.
ડેટ ફંડસમાં આનાથી વિપરીત સ્થિતિ
જોકે ડેટ ફંડ્સમાં આનાથી વિરુદ્ધની સ્થિતિ જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં ડેટ સંબંધિત યોજનાઓમાં રૂ. 12.22 લાખ કરોડની ચોખ્ખી AUM હતી, એ માર્ચમાં 1.93 લાખ કરોડ અથવા 15.8 ટકા ઘટીને રૂ. 10.29 લાખ કરોડ થઈ હતી. આમાં પણ લિક્વિડ ફંડ્સમાં મહત્તમ ધોવાણ થયું હતું, જેમાં ડેટ યોજનાઓની ચોખ્ખી AUM 4.43 લાખ કરોડથી ઘટીને માર્ચમાં 3.34 લાખ કરોડ થઈ હતી. જેમાં 1.08 લાખ કરોડ અથવા 24.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડેટ ફંડ બાજુ જોઈએ તો AUMમાં ત્રિમાસિક ગાળાને લીધે ઘટાડો થાય છે એ સ્વાભાવિક છે, જેથી બેન્કો પણ કેપિટલ એડિક્વસીનાં ધારાધોરણો (મૂડી પર્યાપ્તતા) જાળવી રાખે છે (માર્ચ એન્ડિંગને લીધે) અને કોર્પોરેટ્સ એડવાન્સ ટેક્સના ભારણને લીધે જવાબદારીને પહોંચી વળવા માટે પણ આવું થતું હોય છે, પણ આ ફંડ એપ્રિલમાં પાછું ફરે છે,એમ એમ્ફીના વેંકટેશે કહ્યું હતું.
SIPમાં વધારો થયો
રોકાણકારો માર્ચ મહિનામાં નાણાંનું ચર્નિંગ વધુ કરે છે ત્યારે શેરબજારોમાં મોટી ઊથલપાથલ જોવા મળી હતી.સિસ્ટેમિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP)માં વધારો થયાનું જોવા મળ્યું હતું. ફેબ્રુઆરીમાં SIP 8,513 કરોડથી 128 કરોડ અથવા 1.51 ટકા વધીને માર્ચમાં 8,641 કરોડ થઈ હતી.
વાર્ષિક ધોરણે 7.2 ટકા વધારો થયો
વાર્ષિક ધોરણે જોઈએ તો માર્ચ, 2019માં 8,055 કરોડનો વધારો થયો હતો અને આ વર્ષે ગ્રોથ 586 કરોડ અથવા 7.2 ટકાનો વધારો થયો હતો અને નાણાકીય 2020માં ઇક્વિટી SIP થકી રોકાણપ્રવાહ નાણાં વર્ષ 2019ના 92,693 કરોડની તુલનાએ 7.97 ટકા અથવા રૂ. 7,391 કરોડ વધીને 1,00,084 કરોડ થયો હતો.
રસપ્રદ વાત એ છે કે માર્ચ, 2020માં મ્યુચ્યુઅલ ફંડનું ચોખ્ખું ઈક્વિટી મૂડીરોકાણં 30,130.74 કરોડ રહ્યું હતું, જ્યારે માર્ચ, 2019માં એમાં 7,306.15 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો.