અનંત અંબાણીની બદ્રીનાથ-કેદારનાથ મંદિરના કમિટી સભ્ય તરીકે પસંદગી

નવી દિલ્હી- ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સંમિતિના સભ્ય તરીકે પસંદગી કરી છે.  ચાર ધામની યાત્રામાં સમાવેશ થતાં આ મંદિરની સમસ્ત દેખભાળ અને વહીવટ આ કમિટી કરે છે, જેમાં અનંત અંબાણીને સ્થાન મળ્યું છે.

એવું  જોવા મળ્યું છે કે, અંબાણી પરિવારમાં જ્યારે પણ કોઈ વિશેષ પ્રસંગ હોઈ ત્યારે અંબાણી પરિવાર આ મંદિરોમાં દર્શન કરવા અચૂક આવે છે. ગત વર્ષે ઈશા અંબાણીના લગ્ન વખતે પણ અંબણી પરિવારે કેદારનાથ અને બદ્રીનાથ બંન્ને ધામોના દર્શન કર્યાં હતાં.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ફરી એક વખત શરણાઈ વાગવાની તૈયારી ચાલી રહી છે. મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના આગામી 9 માર્ચના રોજ લગ્ન છે. ગત 11 ફેબ્રુઆરીએ નીતા અંબાણી અને દીકરા અનંત અંબાણીએ મુબંઈના સિદ્ધિ વિનાયક મંદિરે ભગવાન ગણેશને લગ્નની પ્રથમ કંકોત્રિ અર્પણ કરી આશિર્વાદ મેળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના દીકરા છે. ઉત્તરાખંડના આ મંદિરના દરવાજા લગભગ છ મહિના સુધી બંધ રહ્યાં બાદ હવે ૯ મેના રોજ ફરીથી ખુલશે. અધિકારીઓએ મહાશિવરાત્રીના દિવસે આ અંગેની જાણકારી આપી હતી. મંદિરના દરવાજા ખોલવાની તારીખ અને સમયની જાહેરાત મહાશિવરાત્રીના પવિત્ર પ્રસંગ પર રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાંથી કરવામાં આવી હતી.

પુજારીઓએ મંત્રોચ્ચારણ અને શંખના અવાજ વચ્ચે આ અંગેની જાહેરાત કરી હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિરના એક અધિકારીએ કહ્યું કે, ‘કેદારનાથ મંદિર ૯ મેના રોજ સવારે ૫.૩૫ વાગ્યે ફરીથી ખુલી જશે.’ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી, જેમને સામૂહિક રૂપથી ચારધામ કહેવામાં આવે છે. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં મંદિર બંધ થઈ જાય છે અને લગભગ છ મહીના બાદ એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવે છે.