ભારતના ટોચના શ્રીમંતોઃ મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે નંબર-1

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ટોચના ધનવાન ભારતીયોની યાદીમાં સતત આઠમા વર્ષે પહેલા નંબર પર રહ્યા છે. એમની નેટ વર્થ છે રૂ. 3,80,700 કરોડ.

લેટેસ્ટ IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, લંડન સ્થિત એસ.પી. હિન્દુજા અને પરિવાર આ યાદીમાં ફરી બીજા ક્રમે છે. એમની નેટ વર્થ છે રૂ. 1,86,500 કરોડ જ્યારે ત્રીજા ક્રમે રહેતા વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીની કુલ સંપત્તિ છે રૂ. 1,17,100 કરોડ.

આમ, હિન્દુજા અને પ્રેમજીની સંપત્તિનો સરવાળો કરો તોય અંબાણી આગળ રહે છે.

લેટેસ્ટ યાદીના જણાવ્યા મુજબ, રૂ. 1,000 કરોડથી વધારે નેટ વર્થ ધરાવતા ભારતીયોની સંખ્યા 2019માં વધીને 953 થઈ છે જે 2018માં 831 હતી.

જ્યારે, યુએસ ડોલરની દ્રષ્ટિએ અબજોપતિઓની સંખ્યા 141થી ઘટીને 138 થઈ છે.

આર્સેલરમિત્તલના સીઈઓ લક્ષ્મી મિત્તલ આ યાદીમાં ચોથા ક્રમે છે. એમની કુલ સંપત્તિ છે રૂ. 1,07,300 કરોડ.

અમદાવાદસ્થિત ગૌતમ અદાણી રૂ. 94,500 કરોડની સંપત્તિ સાથે યાદીમાં પાંચમા ક્રમે છે.

હિન્દુજા બંધુઓ

ટોપ-10 યાદીમાં અન્ય પાંચ ધનવાનો છે – ઉદય કોટક (રૂ. 94,100 કરોડ), સાયરસ એસ. પૂનાવાલા (રૂ. 88,800 કરોડ), સાયરસ પલોનજી મિસ્ત્રી (રૂ. 76,800 કરોડ), શાપુર પલોનજી (રૂ. 76,800 કરોડ) અને દિલીપ સંઘવી (રૂ. 71,500).

અઝીમ પ્રેમજી

યાદીમાંના ટોપ-25 ભારતીય ધનવાનોની સંપત્તિ ભારતના જીડીપી આંકના 10 ટકા બરોબર છે. તમામ 953 ધનવાનોની સંપત્તિ જીડીપીના 27 ટકા બરોબર થાય છે.

આ યાદીમાં 82 બિનનિવાસી ભારતીયો (NRI) છે.

યાદીમાંના 953 ધનવાનોમાંથી સૌથી વધારે મુંબઈના છે – 246. દિલ્હીના 175, બેંગલુરુના 77 છે.

યાદીમાંના 344 ધનવાનોની સંપત્તિમાં આ વર્ષમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે 112 જણ રૂ. 1,000 કરોડના આંકે પહોંચવામાં સહેજમાં નિષ્ફળ રહ્યા.

આ NRI ધનવાનોમાં 31 જણ અમેરિકામાં વસે છે. તે પછી યુએઈ અને બ્રિટનનો નંબર આવે છે.

રૂ. 7,500 કરોડની સંપત્તિ સાથે 25 વર્ષીય રીતેષ અગ્રવાલ સૌથી યુવાન વયના ઉદ્યોગપતિ છે. તે ઓયો રૂમ્સના માલિક છે. 40 વર્ષથી નીચેની વયના સૌથી ધનવાન છે દિવ્યાંક તુરખિયા (37), જે મિડિયા ડોટ નેટના માલિક છે.

આ યાદીમાં 152 મહિલાો પણ છે, જેમની સરેરાશ વય 56 વર્ષ છે.