2000ની નોટના સુરક્ષા ફીચર્સનું કોઈ ઉલ્લંઘન થયું નથીઃ આરબીઆઈ ગવર્નર

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને એવી આશા છે  કે રૂ.2000ના મૂલ્યની મોટા ભાગની બાકીની બેન્કનોટ્સ આવતી 30 સપ્ટેમ્બર સુધીમાં બેન્કોમાં પાછી આવી જશે. આ એ જ તારીખ છે જે 2000ની કરન્સી નોટ જમા કરવા કે બદલવા માટે જાહેર કરવામાં આવેલી મહેતલની આખરી તારીખ છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને વિનંતી કરી છે કે તેઓ 2000ની નોટ બદલાવવા માટે કે જમા કરાવવા માટે બેન્કોમાં ધસારો ન કરે. રૂ.2000ની નોટ બંધ થઈ ગયા બાદ જરૂર લાગશે એ રીતે રૂ.500ની નોટ વધારે છાપવામાં આવશે. રૂ. 2000ની નોટના સુરક્ષા ફીચર્સનો ભેદ કોઈ પણ રીતે ઉઘાડો પડ્યો નથી એવી તેમણે સ્પષ્ટતા પણ કરી છે.

આરબીઆઈના જણાવ્યાનુસાર, 2000ના મૂલ્યની આશરે 181 કરોડ નોટ ચલણમાં છે. આરબીઆઈએ ગઈ 19 મેએ જાહેરાત કરીને આ નોટને વ્યવહારમાંથી પાછી ખેંચી લીધી છે. પરંતુ કહ્યું છે કે તે હજી લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે અને લોકો 23 મેથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી આ નોટ બેન્કોમાં જમા કરાવી શકે છે કે એક્સચેન્જ કરાવી શકે છે. એમને તેટલી જ રકમની અન્ય માન્યતાપ્રાપ્ત કરન્સી નોટ આપવામાં આવશે.

ભારત સરકારના આદેશને પગલે આરબીઆઈએ 2016માં રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યવાળી કરન્સી નોટો તાત્કાલિક અસરથી વ્યવહારમાંથી હટાવી લીધી હતી. ત્યારબાદ રૂ. 500ની નવી ડિઝાઈનવાળી નોટ વ્યવહારમાં મૂકી હતી અને તે ઉપરાંત રૂ. 2000ના મૂલ્યવાળી નવી નોટ પણ વ્યવહારમાં મૂકી હતી.