નવી દિલ્હીઃ મોદી સરકારે 26મે 2014ના રોજ દેશની સત્તા સંભાળી હતી. મોદી સરકારે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન અર્થવ્યવસ્થા માટે ઘણા મોટાં પગલાં ભર્યા છે. આજે જ્યારે કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે તો ભારતીય અર્થવ્યવસ્થાની હાલત હકીકતમાં કયા સ્થાન પર છે આજે તેના પર એક નજર કરીએ.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા એક રેફરન્સ રેટથી ખ્યાલ આવે છે કે 25 મે 2018 સુધી ડોલરના મુકાબલે રૂપીયો 16 ટકાથી વધારે તૂટ્યો છે. એટલે કે આ દરમિયાન એક ડોલરની કિંમત 10 રૂપીયાથી વધીને 68.21 રૂપીયા સુધી પહોંચી ગઈ છે. વિશેષજ્ઞોના મત અનુસાર જલ્દી જ રૂપીયો ડોલરના મુકાબલે 70ના સ્તરને સ્પર્શ કરશે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. 26 મે 2014ના રોજ સેન્સેક્સ 27,716.90 પર હતો જે 25 મે 2018ના રોજ 34,924.87ના સ્તરને સ્પર્શ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સે 29 જાન્યુઆરી 2018ના રોજ 36,443નું સર્વોચ્ચ સ્તર પ્રાપ્ત કરી લીધું હતું અને નિફ્ટીએ પ્રથમવાર 10 હજારના આંકડાને પાર કર્યો હતો. 25 મેના રોજ નિફ્ટી 10605.15 પર બંધ થયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા દર્શાવે છે કે મે 2014માં મોંઘવારી દર 8.48 ટકા પર હતો જે ગત મહિને એપ્રિલ 2018માં 4.58 પર આવ્યો હતો.
નાણાકિય વર્ષ 2014માં દેશમાં 23.30 અબજ ડોલરની એફડીઆઈ આવી હતી જે નાણાકિય વર્ષ 2017માં આશરે બે ગણી થઈને 43.50 અબજ ડોલર થઈ ગઈ હતી. જો કે ગત કેટલાક મહીનાઓમાં વિદેશી રોકાણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ એપ્રિલ અને ડિસેમ્બર 2017માં 0.27 ટકાના વાર્ષિક વૃદ્ધિ દરથી 35.94 અબજ ડોલરની એફડીઆઈ દેશમાં આવી. ગત વર્ષે એફડીઆઈ આકર્ષિત કરનારા દેશોના લિસ્ટમાં ભારત 10માં સ્થાન પર રહ્યું હતું.
બેંકોના ફસાયેલા દેણાની રકમમાં આવેલી વૃદ્ધિ મોદી સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. ડિસેમ્બર 2018 સુધી સહકારી બેંકોનો ગ્રોસ એનપીએ વધીને 7.8 લાખ રૂપીયા થઈ ગયો હતો જે જૂન 2014માં 2.14 લાખ કરોડ જ હતો. મોદી સરકારના કાર્યકાળમાં પ્રાઈવેટ બેંકોના એનપીએ પણ વધ્યા છે. ડિસેમ્બર-માર્ચ 2018ના ત્રિમાસીક ગાળામાં દેશની 25 બેંકોની કુલ 7.31 લાખ કરોડ રૂપીયાની લોન એનપીએ જાહેર કરવી પડી. આ ગત ડિસેમ્બર-માર્ચ 2017ના આંકડાથી 50 ટકા વધારે છે.
દેશનો ફોરેક્સ રિઝર્વ ગત ચાર વર્ષમાં આશરે 35 ટકા વધી ગયા છે. 11 મે 2018માં સરકાર પાસે 417 અબજ ડોલરનો રિઝર્વ થઈ ગયો હતો કે જે 30 મે 2014ના રોજ 312.66 અબજ ડોલર રહ્યો હતો. એપ્રિલ 2018માં વિદેશી મુદ્રા ભંડારે 426.08 અબજ ડોલરના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો.
મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશનના આંકડાઓ અનુસાર જીડીપી ઓક્ટોબર ડિસેમ્બર 2017ના ત્રિમાસીક ગાળામાં અપેક્ષાથી વધારે 7.2 ટકા જેટલો વધ્યો અને ભારતે ચીનને આ મોર્ચે ફરીથી મ્હાત આપી.
મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં જીએસટીનું અમલીકરણ, કાળા ધનને દેશવટો આપવાના ઉદ્દેશ્યથી નોટબંધીની જાહેરાત, બેંકિંગ સેક્ટરના ફસાયેલા દેણાની સમસ્યાના સમાધાન માટે કાયદામાં સંશોધન તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારી સબસિડી સિસ્ટમમાં સુધારની સાથે સાથે ગ્રામીણ વિદ્યુતીકરણ, તમામને પોતાનું ઘર, ડિજિટલાઈઝેશન જેવી ઘણી મહત્વકાંક્ષી યોજનાઓ સામે આવી.
આ દરમિયાન નોટબંધી માટે સરકારની ટીકાઓ પણ થઈ અને તેની પણ અસરો જોવા મળી. પાટા પર ચડી રહેલી અર્થવ્યવસ્થાની ગતી સુસ્ત પડી ગઈ અને નાના વ્યાપારોને નુકસાન પણ પહોંચ્યું. ટીકાકારોએ મોદી સરકારને અપેક્ષિત સંખ્યામાં નોકરીઓ ઉપ્લબ્ધ કરાવી શકવામાં નિષ્ફળ રહ્યાનો પણ આરોપ લગાવ્યો હતો.