નવી દિલ્હી – કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં વોટ-ઓન-એકાઉન્ટને બદલે સંપૂર્ણ સ્તરનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે એવી ધારણા દર્શાવતા અહેવાલોને કેન્દ્રીય નાણાં મંત્રાલયે રદિયો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કરાશે તે વચગાળાનું જ હશે.
નાણાં પ્રધાન પીયૂષ ગોયલે અહીં એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ વર્ષ 2019-20નું વચગાળાનું હશે.
સામાન્ય રીતે એવી પ્રથા રહી છે કે લોકસભાની ચૂંટણીનું વર્ષ હોય ત્યારે સરકારે વચગાળાનું બજેટ અથવા વોટ-ઓન-એકાઉન્ટ રજૂ કરવાનું રહેતું હોય છે. ચૂંટણી પૂરી થયા બાદ જે નવી સરકાર સત્તા સંભાળે એ જ ફુલ બજેટ રજૂ કરતી હોય છે. એ પ્રથા અનુસાર, આ ચૂંટણીનું વર્ષ હોઈ મર્યાદિત સમયગાળા માટે સરકારના આવશ્યક ખર્ચા માટેની મંજૂરી અથવા વોટ-ઓન-એકાઉન્ટ મેળવી લેવામાં આવ્યું છે અને નવી સરકાર જ સંપૂર્ણ સ્તરનું બજેટ રજૂ કરશે.
પ્રણાલિ અનુસાર, હાલની સરકાર કોઈ નવી સેવા શરૂ નહીં કરે અથવા ફાઈનાન્સ બિલ રજૂ નહીં કરે કે વચગાળાના બજેટમાં આર્થિક સર્વેક્ષણ રજૂ નહીં કરે.
પીયૂષ ગોયલ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કરશે, કારણ કે અરૂણ જેટલીને તબીબી સારવાર માટે આ મહિનાના આરંભમાં અમેરિકા જવું પડ્યું હોવાથી એમની જગ્યાએ નાણાં મંત્રાલયનો અતિરિક્ત ચાર્જ ગોયલને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે કેન્દ્રીય બજેટને ફેબ્રુઆરી મહિનાના અંતે સંસદમાં રજૂ કરવાની બ્રિટિશ જમાના જૂની પરંપરાને રદ કરી છે. બજેટ વહેલું રજૂ થતું હોવાથી વિવિધ મંત્રાલયોને એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષના આરંભે જ એમના બજેટલક્ષી ભંડોળની ફાળવણી કરી દેવામાં આવે છે.