ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરી તો ઉબર કરી દેશે બ્લોક

નવી દિલ્હીઃ કેબ ડ્રાઈવરની ગેરવર્તણૂક અને તેમના પર કાર્યવાહીના સમાચારો તો આપણે સામાન્ય રીતે વાંચતા હોઈએ છીએ પરંતુ ડ્રાઈવરની ફરિયાદ પર એક્શન લેવાતું નથી. પરંતુ હવે આ સ્થિતી પણ બદલાશે. ઉબર એવા રાઈડર્સને એલર્ટ કરી રહ્યું છે કે જેઓ વારંવાર ઉબર ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કરે છે. જે રાઈડરના વ્યવહારમાં કોઈ સુધાર નહી આવે તેને ઉબર બ્લોક પણ કરી દેશે.

એવા યૂઝર્સ ઉબર એપ્લિકેશનનો ઉપયોગ નહી કરી શકે. આ મામલે ઉબર ઈન્ડિયા અને સાઉથ એશિયાના હેડ ઓફ સિટીઝ પ્રભજીત સિંહે કહ્યું કે સન્માન બંન્ને બાજુથી હોવું જોઈએ. અત્યાર સુધી અમે યૂઝર્સના રેટિંગ પર એક્શન લેતા હતા. હવે ડ્રાઈવર્સ જે રેટિંગ રાઈડર્સને આપે છે તેના પર પણ ધ્યાન આપવામાં આવશે.

આ સીવાય ડ્રાઈવરો માટે ડ્રાઈવર સેફ્ટી ટૂલ કિટ પણ લોન્ચ કરવામાં આવશે. આના શેર યૂઅર ટ્રિપ ફીચરથી ઉબર ડ્રાઈવર ટ્રિપ દરમિયાન પોતાનું લોકેશન ફેમિલી સાથે શેર કરી શકશે. આ એપ્લિકેશન ઈમરજન્સી બટન દબાવીને રાઈડર્સની જેમ જ હવે ડ્રાઈવર પણ મદદ લઈ શકશે. આમાં સ્પીડ લિમિટનું ફીચર પણ જોડવામાં આવશે.