એફડીઆઈને મંજૂરી આપવામાં હવે વાર નહીં લાગે, મોદી સરકારે તૈયાર કર્યો પ્રોટોકોલ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓ દ્વારા એફડીઆઈની મંજૂરીને લઈને ઉઠાવવામાં આવેલા સવાલોને વધારે મહત્વ ન આપતા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપવા માટે એક વિસ્તૃત પ્રોટોકોલ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકારે એફડીઆઈના પ્રસ્તાવોને મંજૂરી આપવાનું કાર્ય જલદી કરવા અને પારદર્શિતા વધારવા માટે આ નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સચીવોની પેનલે સુરક્ષા, ભ્રષ્ટાચાર, ડાયરેક્ટર્સ, મની લોન્ડરિંગ અને ફંડ રાઉંડ ટ્રિપિંગ સહિતના કેટલાક આરોપોને લઈને નિયમો નક્કી કર્યા છે.

પ્રોટોકોલ અનુસાર એવા કોઈપણ મામલાની તપાસ કરવામાં આવશે. તો આના સીવાય કંપનીઓ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ, તેની પેરન્ટ કંપની, સહાયક કંપનીઓ અને ડાયરેક્ટર્સ સાથે કોઈપણ ડીલ કરવામાં આવે તો આ મામલે પ્રોટોકોલ અંતર્ગત નિર્ણય લેવામાં આવશે. અત્યારે દેશમાં 95 ટકા વિદેશી રોકાણ ઓટોમેટિક રૂટ દ્વારા થાય છે જ્યારે ડિફેન્સ, એવિએશન, ટેલિકોમ અને સૂચના અને પ્રસારણ સેક્ટરમાં આવનારા એફડીઆઈ માટે સંબંધિત મંત્રાલયની મંજૂરી જરૂરી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા જ ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે નીચલી રેન્કના અધિકારીઓ ઈન્વેસમેન્ટ સાથે જોડાયેલા પ્રસ્તાવો પર નિર્ણય ન લે. ત્યારબાદ મંત્રાલયે જણાવ્યું હતું કે ગત 4 વર્ષમાં 4600 એફડીઆઈની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તો આ સાથે જ મંજૂરીની પ્રક્રિયાને પણ 4 મહીનાથી ઘટાડીને 50 દિવસ સુધીની કરી દેવામાં આવી છે.