હોસ્ટાઈલ ટેકઓવરઃL&Tના ‘માઈન્ડટ્રી’ ખરીદવા મામલે બાગચીએ કરી મોટી વાત

નવી દિલ્હી- બેંગલુરુ સ્થિત આઇટી સર્વિસિસ કંપની માઇન્ડટ્રી માટે હોસ્ટાઇલ ટેકઓવરની બિડ કર્યા બાદ લાર્સન એન્ડ ટુબ્રોના ટોચના એક્ઝિક્યુટિવ્સ માઇન્ડટ્રીના પ્રમોટર્સનાં દિલ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. ટેકઓવરની ચર્ચા વચ્ચે માઈન્ડટ્રીના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ સુબ્રતો બાગચીએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મને અને અન્ય પ્રમોટર્સ કૃષ્ણકુમાર નટરાજન, રોસ્ટા રાવનન અને પાર્થસારથી એન એસને માઈન્ડટ્રી વેચવા માટે ખૂબ મોટી રકમની ઓફર કરવામાં આવી હતી.

કર્મચારીઓને લખેલા એક પત્રમાં બાગચીએ કહ્યું કે, માઈન્ડટ્રીને વેચવા માટે કેકે, રોસ્ટા, પાર્થ અને મને મોટી રકમ ઓફર કરવામાં આવી હતી. અમે સમ્માનજનક રીતે તેમની આ ઓફરને નકારી દીધી હતી. બાગચીએ કર્મચારીઓને સુચના આપી કે, તેમણે ઓડિશા સ્કિલ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનનું પદ છોડી દીધું છે, અને બીજી વખત માઈન્ડટ્રી જોઈન કરી દીધી છે. તેમણે આગળ કહ્યું કે, અમારી આ ઓફર નકારવાના નિર્ણયને મિડલ કલાસ લોકોની વિચારધાર ગણાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

બાગચીએ કહ્યું કે, ઓડિશા સ્કિલ ડેવલપમેન્ટ ઓથોરિટીનું ચેરમેન પદ છોડતી વખતે હું ઘણા દુખમાંથી પસાર થયો છું. હું તમારી લોકો સાથે રહેવા માગુ છું, કારણ કે હું એ વાતની સફાઈ નહીં આપી શકું કે, જ્યારે વૃક્ષને નષ્ટ કરવામાં આવી રહ્યું હોઈ ત્યારે તેનો માળી ત્યાં કેમ હાજર ન હતો.

તમને જણાવી દઈએ કે, આ લેટર લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા માઈન્ડટ્રીને ખરીદવા માટે બીડ કર્યા બાદ સામે આવ્યો છે. L&Tએ ચાલુ સપ્તાહની શરુઆતમાં જ માઈન્ડટ્રીનો 20.4 ટકા હિસ્સો ખરીદી લીધો છે. L&Tને આ સ્ટેક કેફે કોફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થે 3,300 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. L&Tએ કહ્યું હતું કે, તે એક ઓપન લેટર મારફતે માઈન્ડટ્રીમાં હજુ વધારે સ્ટેક પણ ખરીદશે. બાગચીએ ભાવુક લેટર લખીને કર્મચારીઓને અપીલ કરી છે કે, તમારી નજર સ્ક્રીન પર, આંગળીઓ કિબોર્ડ પર અને મગજમાં ગ્રાહકોને રાખો, અને L&T દ્વારા કરાયેલા આ અધિગ્રહણ અંગે ન વિચારો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]