મુંબઈઃ હાઉસિંગ ફાઈનાન્સ આપતી દેશની અગ્રગણ્ય કંપની એચડીએફસીનું આવતી પહેલી જુલાઈથી દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક સાથે વિલિનીકરણ થશે, એમ એચડીએફસીના ચેરમેન દિપક પારેખે કહ્યું છે. એચડીએફસી અને ખાનગી બેન્ક, બંનેની બોર્ડનાં સભ્યો 30 જૂને મળશે અને વિલિનીકરણને મંજૂરી આપશે. તે પછી 1 જુલાઈએ કોર્પોરેશનનો એચડીએફસી બેન્કમાંનો વિલય અમલમાં આવશે, એમ પારેખે વધુમાં જણાવ્યું છે.
એચડીએફસીના વાઈસ-ચેરમેન અને સીઈઓ કેકી મિસ્ત્રીએ કહ્યું છે કે શેરબજારમાં એચડીએફસીના શેરના ડીલિસ્ટિંગની કાર્યવાહી 13 જુલાઈથી અમલમાં આવશે.
ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેન્ક ગયા વર્ષની 4 એપ્રિલે આશરે 40 અબજ ડોલર (રૂ. 3,281,323,160,000 અથવા ત્રણ ટ્રિલિયન 281 અબજ 323 મિલિયન 160 હજાર રૂપિયા)ના સોદામાં દેશની સૌથી મોટી ધિરાણ આપતી કંપની એચડીએફસીનું હસ્તાંતરણ કરવા સહમત થઈ હતી. ભારતના કોર્પોરેટ જગતના ઈતિહાસમાં આ સૌથી મોટો સોદો ગણાય છે.
સોદો અમલમાં મૂકાશે તે પછી એચડીએફસી બેન્ક માલિકી સંપૂર્ણપણે પબ્લિક શેરહોલ્ડરોની થઈ જશે. એચડીએફસીના વર્તમાન શેરહોલ્ડરો એચડીએફસી બેન્કના 41 ટકાની માલિકી ધરાવશે. એચડીએફસીના પ્રત્યેક શેરહોલ્ડરને તેમની પાસેના દરેક 25 શેરની સામે એચડીએફસી બેન્કના 42 શેર મળશે.