કોલકાતાઃ દેશની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની મેકલોડ રસેલ ઇન્ડિયા રૂ. 100 કરોડનાં દેવાં નહીં ચૂકવી શકતાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કલકતા સ્થિત ખેતાન પરિવાર ગ્રુપની છે, જે આસામમાં 31 ચાના બગીચા ધરાવે છે. આ ઉપરાંત કંપની અલીપુરદ્વારમાં બે ગાર્ડનનો વહીવટ સંભાળે છે. કંપનીના આફ્રિકા અને વિયેટનામમાં બગીચા છે. કંપની 73,000ની વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે અને પ્રતિ વર્ષ 7.3 કરોડ કિલોગ્રામ ચાનું ઉત્પાદન કરે છે.
નવી દિલ્હીની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની એક બેન્ચે કંપનીની નાદારીની પ્રક્રિયા હેઠળ કોર્પોરેટ રિઝોલ્યુશનની કાર્યવાહીનો સ્વીકાર કર્યો છે અને કંચન દત્તાને વચગાળાના રિસોલ્યુશન પ્રોફેશનલ નિયુક્ત કર્યા છે.
કેટલીક બેન્કોએ MRILની સામે અનેક કેસો નોંધ્યા છે. અરજી કરનાર ટેક્નો ઇલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ કંપની લિ.એ 28 સપ્ટેમ્બર, 2018એ 14 ટકા વાર્ષિક વ્યાજે રૂ. 100 કરોડની લોન આપી હતી. આ લોન કંપનીએ 31 માર્ચ, 2019એ અથવા એ પહેલાં વ્યાજ સાથે ચૂકવવાની હતી. જોકે કંપની આ લોન ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.
MRIL પર આશરે રૂ. 2000 કરોડનાં દેવાં છે, કેમ કે કંપનીએ ગ્રુપ કંપની મેકનલ્લી ભારત એન્જિનિયરિંગ કંપનીને નાણાકીય ટેકો આપવા માટે ભારે દેવાં કર્યા હતા, પણ MBECLના વેપારમાં ઘટાડો થયા પછી કંપની દેવાં ચુકવણીમાં નિષ્ફળ રહી હતી.
