ભારતના 116 હેરિટેજ સ્થળો માટે ઓનલાઈન ટિકિટીંગ સુવિધા માટે મેકમાયટ્રિપ, ASI ભાગીદાર થયા

મુંબઈ – ભારત દેશને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાના પ્રયાસરૂપે ઓનલાઈન ટ્રાવેલ કંપની મેકમાયટ્રિપ લિમિટેડે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી ભારતભરમાં 116 ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો તથા સ્થળો માટે સુગમતાપૂર્વકના અને અડચણમુક્ત ઓનલાઈન બુકિંગ માટે કરવામાં આવી છે.

આ સમજૂતી અંતર્ગત તાજમહેલ, લાલ કિલ્લો, કુતૂબ મિનાર, હુમાયુંનો મકબરો, ખજુરાહોનાં સ્મારકો, ચારમિનાર, ગોલકોંડા કિલ્લો વગેરે જેવા ASI રક્ષિત હેરિટેજ સ્મારકો માટે ઓનલાઈન બુકિંગ ગેટવે સુવિધા પૂરી પાડવામાં આવશે.

ASI હાલ ઝૂન્ગા, સિટીવોકર્સ અને વેસ્ટલેન્ડ પ્લેટફોર્મ્સ ઉપર ઓનલાઈન ટિકિટિંગ સુવિધા ઓપર કરે છે. આવો જ સહયોગ તે ક્લીયરટ્રિપ નામની એક અન્ય ટ્રાવેલ કંપની સાથે પણ કરવાની છે.

મેકમાયટ્રિપના સ્થાપક અને ગ્રુપ સીઈઓ દીપ કાલરાએ કહ્યું છે કે ASI સાથેની સમજૂતીને પગલે અમે પર્યટકોને એમની પ્રવાસ યોજના અગાઉથી ઘડવામાં મદદરૂપ થવા માટે એમને વર્લ્ડક્લાસ ઈ-ટિકિટ બુકિંગ સેવા પૂરી પાડીશું. અમારા પ્લેટફોર્મ મારફત ઓનલાઈન ટિકિટ બુક કરાવવાથી એમણે ટિકિટ ખરીદવા માટે લાંબી લાઈનોમાં ઊભાં રહેવું નહીં પડે, એમનો સમય બચશે.