LMCએ BSE બોન્ડ પ્લેટફોર્મ પર 200 કરોડ એકત્ર કર્યા

મુંબઈઃ દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ BSEના બોન્ડ પ્લેટફોર્મ પર લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશને (LMCએ) તાજેતરમાં સફળતાપૂર્વક રૂ. 200 કરોડ બોન્ડ ઇશ્યુ દ્વારા એકત્ર કર્યા હતા. બોન્ડ્સ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે ઈશ્યુ કરવામાં આવ્યાં હતાં. રૂ. 200 કરોડના ઇશ્યુ સામે BSE બોન્ડ પ્લેટફોર્મ પર ઇશ્યુના સાડાચાર ગણી રકમની બિડ્સ પ્રાપ્ત થઈ હતી.

આ પ્રસંગે BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે  BSE બોન્ડ પ્લેટફોર્મ પર લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 200 કરોડ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા તેનો અમને આનંદ છે. ઉત્તર પ્રદેશ રાજ્યનું આ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જેણે વર્તમાન નાણાકીય વર્ષે ભંડોળ એકત્ર કર્યું છે. BSE માને છે કે દેશની બોન્ડ્સ માર્કેટ મોટી છલાંગ લગાવવામાં છે અને દેશની બચતોને માળખાકીય સવલતોના ક્ષેત્રની આવશ્યકતાઓને સંતોષવામાં નોંધપાત્ર હદે વાપરી શકાય એમ છે.

BSE બોન્ડ પ્લેટફોર્મ પર મ્યુનિસિપલ બોન્ડ્સનો આ આઠમો ઈશ્યુ છે. અત્યાર સુધીમાં કુલ 11 મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ દ્વારા રૂ. 3689.9 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, જેમાંથી રૂ. 3175 કરોડ BSE બોન્ડ મારફત એકત્ર કરવામાં આવ્યા છે, જે 86 ટકા બજાર હિસ્સો દર્શાવે છે. વર્તમાન નાણાકીય વર્ષે 13 નવેમ્બર, 2020 સુધીમાં BSE બોન્ડ પ્લેટફોર્મ પરથી દેશની કંપનીઓ સફળતાપૂર્વક રૂ. 2,45,968 કરોડ (32.99 અબજ યુએસ ડોલર) એકત્ર કરી શકી છે.

લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અજય કુમાર દ્વિવેદીએ કહ્યું કે અમને ખુશી છે કે લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇશ્યુ સાડાચાર ગણો છલકાઈ ગયો. આ દર્શાવે છે કે રોકાણકારોને કોર્પોરેશનની નાણાકીય શિસ્ત પર ભરોસો છે. આ માત્ર લખનઉ જ નહિ, પરંતુ સંપૂર્ણ ઉત્તર પ્રદેશ રાજ્ય માટે ગર્વની બાબત છે.