આજથી જિયો ફાઇબરની સેવા શરુઃ જાણો, શું છે ઓફર્સ…

નવી દિલ્હી- રિલાયન્સ જિઓની બ્રોડબેન્ડ સર્વિસ જિયો ફાઇબર આજથી દેશભરમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. જિયો ફાઇબરના કોમર્શિયલ લોન્ચની સાથે જિયો ન્યૂનતમ 100 એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ, આજીવન ફ્રી કોલ, ફ્રી એચડી ટીવી અને સેટ-ટોપ બોક્સ ઉપલબ્ધ કરાવશે. જો તમે પણ જિયો ફાઇબરની સર્વિસ લેવા ઈચ્છો છો તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓફર્સ

આ માટે લઘુત્તમ ભાડું પ્રતિ માસ 700 રૂપિયા રહેશે. જિયો લેન્ડ લાઈનથી પ્રતિ મહિના 500 રૂપિયા ભરીને અમેરિકા અને કેનેડામાં અસીમિત આંતરરાષ્ટ્રીય ફોન પણ કરી શકાશે. જિયો ગીગીફાઇબરના પ્લાન 700 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીના હશે. આ ઉપરાંત વર્ષ 2020ના મધ્ય સુધીમાં જિયો ગીગીફાઈબરના પ્રીમિયમ ગ્રાહકો ઘરે બેઠા બેઠા ફિલ્મ રિલીઝના દિવસે જ નિહાળી શકશે. આને જિયોએ ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ નું નામ આપ્યું છે. એવા પણ અહેવાલો છે કે, પ્રિવ્યૂ કસ્ટમર્સને જિયો ફાઇબરની સર્વિસ 2 મહિના સુધી ફ્રીમાં આપવામાં આવશે, એટલે કે, 2 મહિના સુધી આ માટે કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે.

મળશે આ બધી સુવિધાઓ

રિલાયન્સ જિયો અનુસાર તેમના બ્રોડબેન્ડ કનેક્શન પર 100 એમબીપીએસથી લઈને 1 જીબી સુધીની ઈન્ટરનેટ સ્પીડ મળશે.

જિયો ફાઇબર ગ્રાહકોને માત્ર એક સર્વિસ માટે ચાર્જ ચૂકવવો પડશે. ઈન્ટરનેશનલ કોલ માટે સૌથી ઓછા ફિક્સ્ડ લાઈન રેટ હશે. અમેરિકા અને કેનેડા માટે ઈન્ટરનેશનલ કોલિંગ પેક પ્રતિ મહિને 500 રૂપિયા રહેશે.

જિયો ગીગીફાઇબર કનેક્શન માટે ગ્રાહકો પાસેથી અત્યારે કોઈ ચાર્જ નથી વસૂલવામાં આવી રહ્યો. ગ્રાહકોને માત્ર રાઉટર માટે 2500 રૂપિયા સિક્યોરિટી પેટે જમા કરાવવાના રહેશે જે રિફંડેબલ છે.

જિયો ગીગીફાઇબરની માસિક ફી 700 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીની હશે. જેમાં લેન્ડલાઈન અને ટીવી સેટટોપ બોક્સ સર્વિસ પણ સામેલ છે.

જિયો વેલકમ ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક વાર્ષિક પ્લાન ખરીદે છે તો, તેમને એચડી અથવા તો 4K એલઈડી ટીવી અને 4K સેટટોપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. લેન્ડલાઈન મારફતે તમામ કોલ્સ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે.

જિયો ફાઇબર સર્વિસ હેઠળ સેટટોપ બોક્સ એક વન સ્ટોપ સોલ્યુશન હશે. જેની મારફતે બ્રોડબેન્ડ સર્વિસ, હાઈ સ્પીડ વિડિયો કોન્ફ્રેંસિંગ, મિક્સ્ડ રિઆલિટી એપ્લિકેશન, મલ્ટીપ્લેયર ઓનલાઈન ગેમિંગ અને લાઈવ ટીવી ને પણ એક્સેસ કરી શકાશે. આના પર હૈથવે અને ડેનના કનેક્શન મારફતે લાઈવ ટીવીનો મજા માણી શકાશે. આ ઉપરાંત નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વિડિયોને બાદ કરતા લગભગ તમામ મોટા OTT પ્લેટફોર્મ પણ આના પર ઉપલબ્ધ હશે.  

 

મહત્વનું છે કે, જિયો ગીગાફાઇબર કનેક્શન લેવા માટે તમારે આધાર કાર્ડ અથવા અન્ય કોઈ આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપતી વખતે ધ્યાન રાખો કે તમે આપેલી માહીતી ખોટી ન હોય. જોકે હાલ તમારે રજિસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. અને હા ઈન્ટરનેટ પર જિયો ગીગાફાઇબરને નામે કેટલીક બોગસ વેબસાઈટો પણ ચાલી રહી છે જેની ખાસ કાળજી રાખવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]