ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહીઃ આ વિસ્તારોમાં પધારશે મેઘરાજા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની બીજી ધમાકેદાર ઈનિંગ શરુ થાય તેવી શક્યતા છે. હવામાન ખાતાએ આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર અત્યારસુધી ગુજરાતમાં સિઝનનો લગભગ 100 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર વરસાદી બેટિંગ કરે તેવી શક્યતાઓ છે.

અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર ધીમે-ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, ભરૂચ, દીવ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસમાં 28 જિલ્લામાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને 6 અને 7 સપ્ટેમ્બરે દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં હજુ પણ ધોધમાર વરસાદ પડી શકે છે. બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 6 થી 8 કલાક દરમિયાન, જુનાગઢમાં 12 મીમી, સુરતમાં 12 મીમી, સુરેન્દ્રનગર 10 મીમી, પંચમહાલ 8 મીમી, જામનગર 7 મીમી, રાજકોટ 6 મીમી, અમદાવાદ 5 મીમી, ખેડા 4 મીમી, દેવભૂમિ દ્વારકા 3 મીમી, જુનાગઢ 3 મીમી, અમરેલી 2 મીમી, નવસારી 2 મીમી, છોટા ઉદેપુરમાં 1 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં અત્યારસુધી સારો વરસાદ નોંધાયો છે. નર્મદા નદી પણ પોતાની ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ પણ છલોછલ બન્યો છે.