નવી દિલ્હીઃ ભારે દેવાંને કારણે એપ્રિલ, 2019માં બંધ થઈ ચૂકેલી જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરવા તૈયાર છે. કોન્સોર્શિયમે લેણદારોને ચૂકવવા માટે બે વર્ષમાં રૂ. 600 કરોડનું મૂડીરોકાણ કરવા અને કંપનીમાં 89.79 ટકા હિસ્સો હાંસલ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ સોદા મુજબ કર્મચારીઓ અને વર્કમેનને પહેલાં છ મહિનામાં રૂ. 113 કરોડ મળશે. કોર્સોશિયમે આગામી પાંચ વર્ષમાં રૂ. 1183 કરોડની ચુકવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેટને લંડનની એસેટ મેનેજમેન્ટ કંપની કાલરોક કેપિટલ અને એન્ટરપ્રિન્યોર મુરારી લાલ જાલાનનું કોન્સોર્શિયમ ખરીદી રહી છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLT પાસેથી ઠરાવની મંજૂરી મળ્યા પછી કંપનીમાં 180 દિવસોની અંદર રૂ. 280 કરોડની મૂડી રોકવામાં આવશે, જેમાંથી રૂ. 107 કરોડ નાણાકીય લેણદારો, રૂ. 43 કરોડ CRIP, રૂ. 113 કરોડ કર્મચારીઓ અને વર્કમેન, રૂ. નવ કરોડ અન્ય લેણદાર અને રૂ. આઠ કરૃડ આકસ્મિક ફંડમાં જશે.
કંપનીના પ્રમોટર નરેશ ગોયલને રૂ. 500 કરોડની જરૂર હતી, પણ એને એકઠા નહોતા કરી શક્યા, જેથી કર્મચારીઓની સેલરી અને અન્ય ખર્ચ નહોતા નીકળી રહ્યા. જેટ એરવેઝ બંધ થવાને કારણે આશરે 17,000 કર્મચારીઓ રસ્તા પર આવી ગયા હતા. એ પછી જેટ એરવેઝને નાણાં (લોન) આપતી બેન્કોના કોન્સોર્શિયમે નરેશ ગોયલને કંપનીના બોર્ડથી દૂર કર્યા હતા.