ITR ફાઇલિંગની ડેડલાઇન 31 જુલાઈથી આગળ નહીં વધેઃ સરકાર

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ભરવાની ડેડલાઇનમાં હવે માંડ છ દિવસ બચ્ચા છે. હજી પણ અડધાથી વધુ કરદાતાઓએ ITR ફાઇલ નથી કર્યુ. લોકોને આશા છે કે દરેક વખતની જેમ આ વર્ષે પણ સરકાર ITR ફાઇલિંગની ડેડલાઇન વધારશે, પણ સરકારે આ વખતે સ્પષ્ટ કરી દીધું કે સરકાર આ વખતે ITR ભરવાની છેલ્લી તારીખને આગળ વધારવા માટે કોઈ વિચાર નથી કરી રહી.

નાણાકીય વર્ષ 2021-22 એટલે કે એસેસમેન્ટ યર 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. સરકાર પણ આ વખતે ડેડલાઇન વધારવાની નથી, એમ રેવન્યુ અધિકારીએ કહ્યું હતું.

રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે કહ્યું હતું કે 20 જુલાઈ સુધીમાં  2.3 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયાં છે. જોકે છેલ્લી તારીખ સુધીમાં ITRની સંખ્યામાં હજી વધારો થશે. કરદાતાઓને આશા છે કે સરકાર આ વખતે પણ ITRની મુદતમાં વધારો કરશે, જેથી તેઓ ITR ભરવામાં વિલંબ કરી રહ્યા છે, પણ હાલ દૈનિક ધોરણે અમાં 15થી 18 ITR મેળવી રહ્યા છે. ITR ભરવાની જેમ-જેમ છેલ્લી તારીખ આવતી જશે, તેમ-તેમ ITRની સંખ્યા દૈનિક ધોરણે 25થી 30 લાખે પહોંચશે, એમ બજાજે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે રેવેન્યુ વિભાગ છેલ્લી તારીખે એક કરોડ સુધીનાં ITR સ્વીકારવા પણ તૈયાર છે.