સેન ફ્રાન્સિસ્કોઃ એપલ કંપનીએ તેનો નવો ‘આઈફોન 13’ લોન્ચ કરી દીધો છે. તેની સાથે ટેક્નોલોજી ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીએ આઈફોન-13 મિની, આઈપેડ મિની-6, એપલ વોચ સિરીઝ-7 જેવી નવા પ્રોડક્ટ્સ પણ લોન્ચ કર્યાં છે. કંપની તેનાં ગ્રાહકોને 13મી સિરીઝના આઈફોન સ્માર્ટફોનની કિંમતમાં વધારો કર્યા વિના અને વધારે ઝડપી ચિપ્સ અને વધારે શાર્પ કેમેરા ઉપલબ્ધ કરાવશે તેમજ 5G કનેક્ટિવિટીનો લાભ પણ આપશે.
ગ્રાહકો-યૂઝર્સને પસંદગીના વધારે વિકલ્પ મળી રહે એટલા માટે કંપનીએ આઈફોન-13ના અનેક મોડેલ બહાર પાડ્યા છે. આનો એક ઉદ્દેશ્ય નવી શ્રેણીના આઈફોન-13નું વેચાણ વધે એ માટેનો પણ છે. નવી શ્રેણીના આઈફોન-13ના 10 મોડેલની કિંમત એક લાખ રૂપિયાથી ઓછી રહેશે અને ચાર મોડેલની કિંમત 60,000 રૂપિયાની નીચે રહેશે. નવા ફોન 6 મીટર ઊંડે પાણીમાં 30 મિનિટ સુધી કામ કરતા રહેશે. આઈફોન-13 સિરીઝમાં આઈફોન-13 મિની પણ ઉપલબ્ધ છે. આ બંને ફોન A15 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત છે. આમાં એક ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ છે, જેમાં 12 એમપી વાઈડ-એન્ગલ લેન્સ છે. આઈફોન-13માં 6.1 ઈંચનો ડિસ્પ્લે છે જ્યારે આઈફોન-13 મિનીમાં 5.4નો ડિસ્પ્લે છે. આઈફોન-13ના બેઝ વેરિઅન્ટની કિંમત (128-જીબી મોડેલ) 799 ડોલરથી શરૂ થાય છે. જ્યારે આઈફોન-13 મિનીની કિંમત 699 ડોલરથી શરૂ થાય છે. આઈફોન-13 પ્રો અને આઈફોન-13 પ્રો મેક્સમાં મોટી બેટરી મળે છે. 13-પ્રોમાં ટેલિફોટો લેન્સ 77 સેન્ટીમીટર, 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે ઉપલબ્ધ છે. આમાં અલ્ટ્રા-વાઈડ કેમેરા અને વાઈડ-એન્ગલ કેમેરા પણ છે. આઈફોન-13 પ્રોમાં ફોટોગ્રાફી લેન્સ પણ છે. આઈફોન-13 પ્રોની કિંમદ 999 ડોલર છે જ્યારે આઈફોન-13 પ્રો મેક્સની કિંમત 1,099 ડોલર છે. 24 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થવાની ધારણા છે.
એપલ આઈફોન-13ની કિંમત રૂ. 79,900 છે. આઈફોન-13 પ્રોની કિંમત રૂ. 1,19,900, આઈફોન-13 પ્રો-મેક્સની કિંમત રૂ. 1,29,900 છે. આઈફોન-13 મિનીની કિંમત રૂ. 69,900 છે.
કંપનીએ નવું આઈપેડ મિની-6 પણ લોન્ચ કર્યું છે. તેમાં 8.3 ઈંચનો લિક્વિડ રેટિના એલસીડી ડિસ્પ્લે છે. આમાં 12 એમપીનો બેક અને 12 એમપીનો અલ્ટ્રાવાઈડ ફ્રન્ટ કેમેરા છે. 4K વિડિયો રેકોર્ડિંગ ફીચરને સપોર્ટ કરે છે. આમાં USB-C પોર્ટ અને 5G મોડમ છે. વળી, એમાં 6 સ્ટીરિયો સ્પીકર્સ પણ છે. આની આરંભિક કિંમત 46,990 રૂપિયા છે. ભારતમાં આઈપેડ-મિની વાઈ-ફાઈની કિંમત 46,900 રૂપિયા છે અને વાઈ-ફાઈ પ્લસ સેલ્યૂલર મોડેલની કિંમત રૂ. 60,900 રાખી છે. આઈફોન-13 હજી સ્ટોર્સમાં ઉપલબ્ધ નથી, પરંતુ એનું પ્રી-બુકિંગ એપલ સ્ટોર તથા એપલની વેબસાઈટ પર શરૂ કરવામાં આવ્યું છે. કિંમત વેબસાઈટ પર ઉપલબ્ધ છે.