નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે 9,491 નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકી છે. આ કંપનીઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના નિયમોનું પાલન ન કરવાના કારણે હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવી છે. ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટે આ કંપનીઓનું લિસ્ટ જાહેર કર્યું છે.
નવેમ્બર 2016માં નોટબંધી બાદ ઘણી એનબીએફસી કંપનીઓ અને રુરલ તેમજ અર્બન કો ઓપરેટિવ બેંક ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં આવી ગઈ હતી. આ કંપનીઓ અને બેંકોએ લોકોના કાળાનાણાને નવી નોટોમાં બદલી આપ્યા હતા. આ પ્રકારે લોકોએ પોતાના કાળાધનને સફેદ કર્યું હતું.
તપાસ એજન્સીઓને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે એનબીએફસી કંપનીઓ અને કો ઓપરેટિવ બેંક પ્રતિબંધિત ચલણી નોટને કેશ ડિપોઝિટ તરીકે લઈ રહ્યા હતા અને પાછલી તારીખોની ડિપોઝિટ અને ચેક જાહેર કરી રહ્યા હતા. રિઝર્વ બેંક દ્વારા આ કંપની અને કો ઓપરેટિવ બેંકોને ડિપોઝિટ લેવાની મનાઈ કરી દીધી હતી, આમ છતા પણ આ કંપનીઓએ આ કામ કર્યું હતુ.