નીરવ મોદીએ PNBને વધુ 1300 કરોડનો ચૂનો પણ ચોપડ્યો, આંકડો 12,622 કરોડ થયો

દિલ્હી– પંજાબ નેશનલ બેંકને વધુ 1322 કરોડની એક વધુ છેતરપિંડીની જાણ થઇ છે. આ છેતરપિંડીના છેડા પણ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે જોડાયેલાં છે. એટલે કે નીરવ મોદી ફ્રોડ કેસમાં પીએનબીને થયેલાં નુકસાનનો આંકડો 12,622 કરોડ થઇ ગયો છે. આ બાબતે પીએનબીએ ગઇકાલે સાંજે સ્પષ્ટતા કરી હતી.જે ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે તે પીએમબીની 2017ના નાણાકીય વર્ષની નેટ ઇનકમ જેટલો આંકડો છે. પીએનબીએ આ ફ્રોડની જાણકારી બીએસઇ-બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપી છે.

વિદેશમાં જપ્ત થશે નીરવની મિલકત

નીરવ મોદી પર ગાળીયો કસવાની કોશિશમાં ઇડીએ 6 દેશોમાં નીરવ મોદીની સંપત્તિની ઓળખ કરવાની અને તેને જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરશે. મુંબઇની સ્પેશિઅલ કોર્ટે ઇડીને લેટર ઓફ રોગેટરી આપી દીધો છે. આ લેટર સ્પેષિઅલ જજ એમ એસ આઝમી દ્વારા જારી કરાયો છે. આ લેટરથી વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીની વિદેશી સંપત્તિઓ પર ગાળીયો કસવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

આરબીઆઈએ આ મહાકૌભાંડની તરતપાસની તમામ જવાબદારી સીએ યઝદી હિજરી માલેગમની અધ્યક્ષતાવાળી કમિટીને સોંપી છે. આ કમિટી પીએનબીમાં સંભવિત ફ્રોડના જોખમને ઓળખી તે ઉપરાંત બેંકોની એનપીએની જાંચ પણ કરશે. માલેગમ આરબીઆઈને લાંબો સમય સેવા આપી છે અને આરબીઆઈ બોર્ડમાં 2016 સુધી સદસ્ય રહી ચૂક્યાં છે.

લૉફર્મ સિરિલ અમરચંદ મંગલદાસ પર દરોડા 

દરમિયાન સીબીઆઈએ મુંબઇની જાણીતી લૉફર્મ સિરિલ અમરચંદ મંગલદાસ પર દરોડા પાડ્યા હતાં. ગયા સપ્તાહમાં કરાયેલી આ કાર્યવાહીની જાણકારી હવે બહાર પાડવામાં આવી છે. સમાચાર પ્રમાણે પીએનબી કૌભાંડ બહાર આવ્યાંના એક માસ પહેલાં જ નીરવ મોદીએ આ લૉ ફર્મને પોતાનું કામ સોપ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]