નવી દિલ્હીઃ સિગારેટ, તમાકુ ખાનારાના ખિસ્સાનો ખર્ચ વધવાની શક્યતા છે. એના પર લાગતા GST દરોમાં વધારો થવાની શક્યતા છે. GST કાઉન્સિલની બેઠક પહેલાં દરોને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓના ગ્રુપે (GoM) તમાકુ ઉત્પાદનો પરના 28 ટકાના દરથી વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી છે. જોકે એનો અંતિમ નિર્ણય 21 ડિસેમ્બરે થનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.
GoMએ કુલ 148 વસ્તુઓ માટે ટેક્સ ફેરફારોની દરખાસ્ત કરી છે. 21 ડિસેમ્બરે GST કાઉન્સિલ સમક્ષ GoM રિપોર્ટ રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાનની અધ્યક્ષતામાં અને રાજ્યોના નાણાપ્રધાનો સહિતની કાઉન્સિલ સૂચિત ફેરફારો પર અંતિમ નિર્ણય લેશે.
GoM તમાકુ અને સંબંધિત ઉત્પાદનો અને પીણાં પર 35 ટકાના વિશેષ દરની દરખાસ્ત કરવા માટે સંમત થયા છે, એમ એક અધિકારીએ પીટીઆઈ દ્વારા જણાવ્યું હતું. 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનું હાલનું ચાર-સ્તરનું કરમાળખું યથાવત રહેશે, જેમાં નવા 35 ટકાનો દર ઉમેરવામાં આવશે.
મંત્રીઓના જૂથે ઘણી વસ્તુઓના દરોમાં ફેરફાર અંગેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. સૂત્રોનું કહેવું છે કે કુલ 148 વસ્તુઓના દરમાં ફેરફારની ભલામણ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં રચાયેલા પ્રધાનોના જૂથે (GoMએ) વસ્ત્રો પરના ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો હતો.
આ અહેવાલમાં લક્ઝરી ચીજવસ્તુઓ પર GST દરો વધારવાનો પ્રસ્તાવ છે, જ્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓને સસ્તી બનાવવાનો ઉદ્દેશ છે.