પાઈલટ્સની તંગીને કારણે ઈન્ડીગોએ 30થી વધુ ફ્લાઈટ્સ રદ કરી

મુંબઈ – લોકોને સસ્તા ભાવે વિમાન પ્રવાસ કરાવવા માટે જાણીતી એરલાઈન ઈન્ડીગોને પાઈલટોની તંગીની સમસ્યા સખત રીતે નડી રહી છે અને આજે એણે જુદા જુદા એરપોર્ટ ખાતેથી 30થી વધુ ફ્લાઈટ્સ રદ કરી હતી.

ગુરુગ્રામમાં હેડક્વાર્ટર ધરાવતી આ એરલાઈને ગઈ કાલે સોમવારે પણ 32 ફ્લાઈટ્સ રદ કરી હતી.

એરલાઈન્સે ગયા શનિવારથી આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરી હોવા છતાં એવિએશન રેગ્યૂલેટરે એની સામે તપાસ આદરવાનો કોઈ નિર્દેશ કર્યો નથી.

ઈન્ડીગોએ પાઈલટોની તંગીના મુદ્દે આજે મુખ્યત્વે કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઈમાંથી એની ફ્લાઈટ્સ રદ કરી હતી.

અમુક પ્રવાસીઓએ એવો આરોપ મૂક્યો છે કે એરલાઈને એમને ફરજ પાડી હતી કે કાં તો છેલ્લી ઘડીનું ભાડું ચૂકવો અથવા વૈકલ્પિક ફ્લાઈટ્સ પસંદ કરો. એવી ફ્લાઈટ્સમાં વન-સ્ટોપ કનેક્ટિવિટી હોય અને પ્રવાસનો સમયગાળો પણ લાંબો હોય.

આવા અનેક સવાલો ઈન્ડીગોની મેનેજમેન્ટ તથા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને મોકલી આપવામાં આવ્યા છે.

ગયા રવિવારે ઈન્ડીગોએ એમ કહ્યું હતું કે ખરાબ હવામાનને કારણે એણે તેના નેટવર્કમાં વિમાનસેવાને માઠી અસર પહોંચી છે.