નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF)એ કહ્યું છે કે કોરોના વાઇરસના રોગચાળાને અટકાવવા માટે એશિયાના દેશોએ સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2020માં વિશ્વના તમામ વિકસિત દેશોનો વિકાસદર નકારાત્મક રહેશે, પરંતુ ભારત અને ચીનનો ગ્રોથ રેટ સકારાત્મક રહેશે. ભારતનો વિકાસ દર 1.9 ટકા રહેવાની શક્યતા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે, જ્યારે ચીનનો વિકાસદર 1.2 ટકા રહેશે.
મોટા ભાગના દેશોનો વિકાસ નકારાત્મક રહેશે
કોરોનાને કારણે વર્ષ 2020માં વિશ્વના મોટા ભાગના દેશ પછી એ વિકસિત હોય કે વિકાસશીલ, નકારાત્મક ગ્રોથનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. IMFના અનુમાન મુજબ એડવાન્સ અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રમાં ગ્રોથ રેટ નકારાત્મક રહેશે. જોકે બે દેશ- ચીનનો વિકાસદર પોઝિટિવ રહેશે. ચીનના વિકાસદરનું અનુમાન 1.2 ટકા અને ભારતનો વિકાસદરનું અનુમાન સૌથી વધુ 1.9 ટકા દર્શાવ્યો હતો. 2021માં ચીન 9.2 ટકા અને ભારત 7.4 ટકાના દરથી વિકાસ કરે એવી શક્યતા છે.
કોરોનાના સામે એશિયન દેશોનું સારું પ્રદર્શન
IMFના એક અધિકારીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળાને અટકાવવાની દિશામાં એશિયાના દેશો અન્ય દેશોની તુલનાએ સારો દેખાવ કરી રહ્યા છે. આ દેશો ઝડપથી વિકાસના માર્ગે પાછા ફરશે. IMFના એશિયા અને પ્રશાંત વિભાગના ડિરેક્ટર ચાંગ યોગ રીએ કહ્યું હતું કે એશિયામાં કોરોના વાઇરસની અસર દરેક ક્ષેત્રમાં થશે અને એ ગંભીર અને અજાણી હશે.
વિકાસદરમાં તેજી આવશે, પણ નુકસાનની ભરપાઈ જલદી નહીં
એશિયાનો વૃદ્ધિદર 2021માં વધીને 7.6 ટકા થવાની આશા છે, પરંતુ એનો મતલબ એ નથી કે પૂરા નુકસાનની ભરપાઈ તરત નહીં થઈ શકે. વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડાની અસર એશિયા પર અસર થશએ. જોકે એની વર્ષ 2021 દરમ્યાન આ રોગચાળાની અસર પહેલાંની તુલનાએ ઓછી રહેશે.