મુંબઈઃ નોકિયા કંપનીએ બહાર પાડેલા વર્ષ 2022 માટેના વાર્ષિક મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડેક્સ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાભરમાં મોબાઈલ ડેટાના વપરાશમાં 53 ટકાનો વધારો થયો છે. ભારતનો ડેટા યૂસેજ દુનિયામાં સૌથી વધારે છે.
અહેવાલ મુજબ, દુનિયામાં 2021માં ડેટા ટ્રાફિક 31 ટકા વધ્યો હતો. આનું કારણ એ છે કે તમામ મોબાઈલ ફોનમાં 4G નેટવર્ક લાગુ કરી દેવાયું હતું. ગયા વર્ષે 4G સેવાઓમાં નવા ચાર કરોડ ધારકો ઉમેરાયા હતા અથવા અપગ્રેડ કરાયા હતા. એ પછી સરેરાશ ડેટા વપરાશનો આંક પ્રતિ મહિને પ્રતિ યૂઝર 17 જીબીને સ્પર્શી ગયો હતો. ભારતમાં મોબાઈલ બ્રોડબેન્ડ ઈકોસિસ્ટમના વિકાસમાં 4G નેટવર્કે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. હવે 5G સ્પેક્ટ્રમની હરાજી થવાની છે અને તેની કમર્શિયલ સેવાનો આરંભ આ વર્ષના અંતભાગમાં થવાની ધારણા છે. ભારતમાં 2021માં 16 કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. આમાં ત્રણ કરોડ ફોન 5G ડિવાઈસીસ છે. ભારતમાં 4G એક્ટિવ ડિવાઈસીસનો આંક 80 ટકાને પાર કરી ગયો છે. એક કરોડ લોકો પાસે 5G સક્ષમ સ્માર્ટફોન આવી ગયા છે.