ટ્રેડવોરને પગલે ફીક્કી પડી રહેલી દેશના હીરાઉદ્યોગની ચમક

નવી દિલ્હી- અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરથી ભારતને પણ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ટ્રેડવોરને પગલે ભારતના હીરા ઉદ્યોગની ચમક ફીક્કી પડી રહી છે. કોતરકામ અને પોલિસ્ડ કરેલા હીરાની નિકાસ ગત વર્ષે જુલાઈની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં 18.15 ટકા સુધી ઘટી ગયું છે.

આ નાણાકીય વર્ષના પહેલાં ચાર મહિનામાં એટલે કે, એપ્રિલ,મે, જૂન, અને જુલાઈ સુધીમાં નિકાસમાં ગત વર્ષ કરતાં 15.11 ટકાનો ઘટાડો આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષની શરુઆતના ચાર મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં કુલ 6.67 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગત વર્ષે જુલાઈમાં જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 20,955.10 કરોડ રૂપિયા હતી, જે આ વર્ષે જુલાઈમાં 11.08 ટકા ઘટીને 18,633.10 કરોડ રૂપિયા રહી ગઈ. ગત નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 90,295.58 કરોડ રૂપિયા રહી હતી, જે આ વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન 6.67 ટકા ઘટીને 84,272.30 કરોડ રૂપિયા રહી.

ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટમાં પણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે જુલાઈમાં સોનાના આભૂષણોની નિકાસ 7,021.35 કરોડ રૂપિયા રહી હતી, જે આ વર્ષે જુલાઈમાં 5.62 ટકા ઘટીને 6,626.92 કરોડ રૂપિયા રહી ગઈ. આ વર્ષે એપ્રિલથી જુલાઈની વચ્ચે ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 28,359.43 કરોડ રૂપિયા રહ્યું. આ આંકડો ગત વર્ષે સમાન અવધીમાં થયેલ નિકાસ કરતાં 2.11 ટકા ઓછી છે. એપ્રિલ-જુલાઈ 2019માં સોનાના ઘરેણાની નિકાસ 28,970.89 કરોડ રૂપિયા રહી હતી.

ભારતમાંથી હીરા અને કિંમત પથ્થરો તેમજ આભૂષણોની નિકાસ ઘણી ઓછી થઈ ગઈ છે, તેમ છતાં ઉદ્યોગને આશા છે કે, અમેરિકા દ્વારા ચીનના જેમ્સ એન્ડ જ્વેલરી પર નિકાસ પર 10 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવ્યા બાદ ભારતીય ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે. આ આયાત શુલ્ક 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. આ શુલ્ક માણિકા, પન્ના, નીલમ, નેચરલ મોતી અને કિંમતી પથ્થર, ડાયમંડ, સોનુ અને ચાંદીની જ્વેલરી સહિત ધાર્મિક જ્વેલરી પર લાગુ થશે.