નવી દિલ્હીઃ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થવાને કારણે દ્વિપક્ષી વેપારને આગામી પાંચ વર્ષોમાં 100 અબજ ડોલર સુધી પહોંચડવાની સાથે લાખોની સંખ્યામાં રોજગારીનું સર્જન થવામાં મદદ મળશે, એમ વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે મુક્ત વેપાર સમજૂતી (FTA) પર હસ્તાક્ષર થયા પછી વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી મેમાં અમલી થવાની શક્યતા છે. વળી, એમાં પહેલા દિવસથી જ ભારતીય હિતથી જોડાયેલા આશરે 90 ટકા ઉત્પાદનો માટે UAEની નિકાસનો રસ્તો ખૂલી જશે.
વડા પ્રધાન મોદી અને અબુ ધાબીના શહેજાદા શેખ બિન જાયદ અલ નાહયાનની ઓનલાઇન શિખર વાર્તા દરમ્યાન વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી પર ભારત તરફથી ગોયલ અને UAE ના અર્થતંત્રના મામલાના પ્રધાન અબદુલ્લા બિન તૌક અલ મર્રીએ હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વધુ ગાઢ બનાવવાને લઈને રૂપરેખા પણ જારી કરી છે. મુક્ત વેપાર સમજૂતીથી ભારત અને UAEની કંપનીઓને મહત્ત્વપૂર્ણ લાભ મળશે. બંને દેશોનો દ્વિપક્ષી વેપાર હાલમાં 60 અબજ ડોલરથી વધીને 100 અબજ ડોલર પહોંચવાની અપેક્ષા છે. એ વ્યાપક અને સંતુલિત વેપાર સમજૂતી છે, એમ ગોયલે કહ્યું હતું. બંને દેશોની વચ્ચે 2020-21માં દ્વિપક્ષી વેપાર 43.3 અબજ ડોલર હતી. UAEને આફ્રિકા અને વિશ્વના અન્ય ભાગો માટે પ્રવેશ દ્વાર માનવામાં આવે છે.