લંડનઃ આવતા વર્ષે જ ભારત, યુકે અને ફ્રાંસને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ પ્રકારનો દાવો એક રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. સેન્ટર ફોર ઈકોનોમિક એન્ડ બિઝનેસ રીસર્ચ કન્સલટન્સી 2018ના વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલમાં ઊર્જા અને ટેક્નોલોજીના રસ્તે અને યોગ્ય સંસાધનોના પરિણામે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઝડપી વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કરાયું છે.
ભારત પણ આ ટ્રેંડ તરફ જ આગળ વધી રહ્યું છે. આના દ્વારા આવનારા 15 વર્ષ સુધી ટોપ ટેન સૌથી મોટી ઈકોનોમીઝમાં એશિયાઈ અર્થવ્યવસ્થાઓનું પ્રભુત્વ વધતું રહેશે. Cebrના ડેપ્યુટી ચેરમેન ડગલસ મૈકવિલિયમ્સે જણાવ્યું કે ગત થોડા સમયમાં ભારતીય અર્થવ્યવસ્થાને ઘણા બધા ઝટકાઓ લાગ્યા પરંતુ આમછતા ભારતીય અર્થવ્યવસ્થા 2018માં ફ્રાંસ અને યૂકે કરતા આગળ નિકળી જશે અને ડોલરના મામલે બંન્નેને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
મૈકવિલિયમ્સે જણાવ્યું કે નોટબંધી અને જીએસટીના કારણે ભારતના વિકાસની ગતી થોડી ધીમી પડી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા રોયટર્સના એક પોલમાં પણ અર્થશાસ્ત્રીઓએ પણ આ પ્રકારનો જ મત વ્યક્ત કર્યો હતો. Cebr દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચીન 2032માં અમેરિકાને પછાડીને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.