જીડીપીમાં 7.2%ની વૃદ્ધિ વર્તમાન સરકારના ઉત્તમ વહીવટનું પરિણામ: આશિષકુમાર ચૌહાણ

મુંબઈ: નાણાકીય વર્ષ 2022-23માં દેશના જીડીપીમાં 7.2 ટકાના દરે વૃદ્ધિ થઈ છે એ બહુ સારી નિશાની છે, ખાસ તો ત્યારે કે 2021-22માં જીડીપીમાં સારી એવી વૃદ્ધિ થઈ હતી એટલે ઊંચા બેઝની તુલનાએ જીડીપીમાં આટલા ઊંચા દરે વૃદ્ધિ થવાની અપેક્ષા લોકોએ રાખી નહોતી, આનું શ્રેય વર્તમાન સરકારના ઉત્તમ વહીવટને જાય છે, એમ એનએસઈ (નેશનલ સ્ટોક એકસચેંજ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું છે.

વિશ્વના તમામ  મોટાં અર્થતંત્રોની તુલનાએ ભારતનો વિકાસદર બહેતર રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રારંભિક બે મહિનામાં પણ દેશનો બહુ સારો વિકાસ થયો છે, એ દર્શાવે છે કે દેશમાં માગ અને રોજગાર વધી રહ્યાં છે. નિકાસ વધીને આશરે 331 અબજ ડોલરની થઈ છે. દેશ સર્વિસીસ ક્ષેત્રની નિકાસના મોટા મથક તરીકે ઊભર્યો છે. છેલ્લા 11 મહિનાની તુલનામાં ભારત પાસે સૌથી અધિક વિદેશી હૂંડિયામણ રહ્યું છે, એ જોતાં આગામી વર્ષ પણ વિકાસ દર ઊંચો રહેશે એવું કહી શકાય.

અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે વિકાસ દર 6.5 ટકાથી અધિક રહેશે. વિશ્વમાં મંદીનું વાતાવરણ છે ત્યારે ભારત ઊંચા આર્થિક વિકાસના પંથે છે. કોવિડની કટોકટી સામે સરકારે અસરકારક પગલાં લીધાં, જ્યારે આપણા પડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકા સહિત ઘણા દેશો કોવિડ કટોકટીને કારણે પાછળ ધકેલાઈ ગયા છે ત્યારે ભારતમાં  ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એનો યશ વર્તમાન સરકારને આપવો જ જોઈએ.